maun ha shabd - Prose Poem | RekhtaGujarati

મૌન : શબ્દ

maun ha shabd

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
મૌન : શબ્દ
મણિલાલ દેસાઈ

ગિલોલથી તારા મૌનને ઉરાડી મૂકવા જાઉં છું અને હું નિશાન

ચૂકી જાઉં છું. થાય છે તું જાણે છે કે હું અદેખો છું તું મારા

કરતાં મૌનને વધારે ચાહે છે. એટલે તો એને હોઠથી અળગું

નથી થવા દેતી. મૌનની રેખાને હોઠથી દૂર કરી અક્ષરોમાં ફેરવવા-

ની તેં રમત રમી જોઈ છે? તને એવી રમત કદાચ પણ

ગમે. પરંતુ રમવા જેવી રમત છે. વિચારો તો તને પણ

આવતા હશે; શું એને શૂન્યની લિપિ વધુ માફક આવે છે?

યાદ છે? હું બોલવા કહેતો ત્યારે તું શબ્દની જેમ હોઠ પણ છુપાવી

દેતી. છુપાવવાની કળા કદાચ કાળા રંગનો ગુણ છે. એની તળે

બધું છુપાવી દે છે, અને હું તને ‘કાળી છોકરી' કહેતો

તો ખબર છે ને! કાળી રાત સૂર્ય છુપાવી રાખે છે. તેં

કદાચ મારા પ્રેમના લાવાને છુપાવવાનું સાહસ ખેડ્યું હોય!

હું બોલાવવા માટે આગ્રહ કરીને થાકું છું અને તું કઈ નથી

બોલતી પછી તું કંઈ આવેશમાં આવી એકાએક બોલી પડે છે.

શબ્દો જાણે કે મારી પાસે પરિચિતતાનું અને સ્નેહનું અસ્તર

ચડાવીને આવે છે. શબ્દનો આવો જાદુ તારા મૌનની તાકાત હશે

એવું માનું તો વાંધો નહીં ને? તારા મૌનની એક આગવી

સિદ્ધિ છે. મને એકલો જુએ છે અને તરત પોતાના બાહુમાં

જકડી લેવા દોડે છે. તેં તો એને નથી શીખવ્યું? તારા

હોઠના એક ખૂણા પરથી પતંગિયાની જેમ ઊડે છે અને મારા

ઓરડાના અવકાશમાં એક પીળું વર્તુળ બનાવે છે. પાછું તો

તારા હોઠના વળાંકમાં ઘર બનાવી બેસી જાય છે. પણ પેલો પીળો

વર્તુળિયો અવકાશ વિસ્તરવા માંડે છે. પછી તંગ થઈને તૂટે છે.

તૂટતાંની સાથે એની પૃષ્ઠભૂમિમાંથી ઘોડાપૂર એકલતા બહાર

આવે છે જાણે મહીનાં પૂર! એમાં હું ખેંચાઉં છું, તણાઉં છું, ડૂબું

છું, પણ બૂમ નથી પાડી શકતો. જ્યાં ડૂબું ડૂબું થઈને તરું છું ત્યાં

બાજુમાં એક ઊંડું વમળ છે. વમળમાં ઊભી રહીને તું મને

બોલાવ બોલાવ કરે છે, આંખ ઢાળીને! હું અને તું જાણીએ છીએ

કે નજરના તાર આપણામાંથી કોઈને બચાવી શકે એમ નથી...

પેલી એકલતાનો સાગર ઘૂઘવતો ઘૂઘવતો સુકાઇને જાણે કે મારા

હૃદયની ધરતી જેવો રૂક્ષ થયો છે. જાણે કે મારા ઘરની બારીએ

એક કાગડો કકળાટ કરે છે. જાણે કે મારા ટેબલની તળે બે બિલાડીઓ

જીવ પર આવી યુદ્ધ કરે છે. જાણે કે વાડામાં ડોક લાંબી કરી કૂતરાં

પોક મૂકે છે. અવાજો મારી નસેનસમાં સૂતેલા તારા મૌનને

બહાર ખેંચી કાઢવા મથે છે. હું બારીબારણાં બંધ કરી આંખથી

હાથ દબાવી આરામખુરસી પર બેસી પડું છું. ધમ્ ધમ્ ધડડ ધમ્

ધમ્ ધમ્ ધડડ ધમ્ એકસરખા અવાજો શરૂ થાય છે. જાણે કે મારા

કાનના પરદા પર કોઈ સૈન્ય કૂચ કરી રહ્યુ છે. તું હોત તો તારા

વિશ્રંભાલાપની લિપિ મારા કાનના પરદા પર ચીતરાતી હોત! તું

કહેતી: ‘તમે એવું માને છો કે તમે ખરાબ છો!’ હું શબ્દને

વળગી પડતો. શિખરો વચ્ચે દોડતી દોરડાગાડીમાં મુસાફરી કરતો

હોઉં એવું લાગતું. ‘કોઈને પૂછી જુઓ તા ખબર પડે!' તું

કહેતી. પણ મારું ભાન એમાં નથી. મારા એકાન્ત ઉદાસ મૌનમાંથી

બચવા માટે બેચાર શબ્દને હું મારા રૂમાલને છેડે બાંધી લઉં છું.

તું બોલેલી એવા બેચાર શબ્દમિત્રોના ધન પર તો હું મોટી

મુસાફરીનો મદાર બાંધી બેઠો છું. બેચાર શબ્દોને તો માદળિયામાં

પૂરી મારા ડાબા હાથે બાંધી રાખ્યા છે. જેથી મારા મૌનની દીવાલો

ઓળંગી કોઈ અંદર આવી શકે! તારા સ્પર્શના બેચાર રંગીન

કાચ કોઈ તોડી શકે!

વાત આગળ ચાલતી નથી. તું બેસી રહે છે. તને એમ કે હું તને

પૂછીશ કે ‘હું કેવો લાગું છું” પણ મને મૌનની અભિવ્યક્તિમાં

વધુ વિશ્વાસ છે. અને એથી પણ વધુ શ્રદ્ધા તારા હઠીલા સ્વભાવમાં

છે! અસ્તુ.

આજે તો વીતેલા દિવસોને ફરી પાછી કૂંપળો ફૂટી છે...કાલે ફૂલો

આવશે...કહે, તારે માટે એક ગજરો બનાવીને મોકલું.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2