priskripshan - Prose Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રિસ્ક્રિપ્શન

priskripshan

હેમેન શાહ હેમેન શાહ
પ્રિસ્ક્રિપ્શન
હેમેન શાહ

1. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે જાણી લેવું.

2. નિરાશાની એક કૅપ્સ્યૂલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા મળે તો ઉદાસી ચાલશે. દવા છે ફક્ત કંપની જુદી છે.)

3. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.

4. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.

5. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું.

(એ મેસર્સ મજનૂ ઍન્ડ રાંઝાને ત્યાં મળે છે)

6. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.

7. યાદ બહુ જલદ દવા છે, પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, એટલે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.

8. અઠવાડિયે એક વાર ઍક્સ્પાયરી ડેટ પછીનું ઈશ્કનું ઇંજેક્શન લેવું.

9. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.

10. બસ.

આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.

- સહી

અનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રૅક્ટિશનર

સ્રોત

  • પુસ્તક : આખરે ઊકલ્યા જો અક્ષર (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સર્જક : હેમેન શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2012