sarhad - Prose Poem | RekhtaGujarati

અચાનક નદીની સરહદ શરૂ થાય છે, પવનની ગતિ અને

ભીનાશ ગાઢ બને છે, કશુંક ગમતીલું ઘેરી વળે છે,

અને, તારા વિચારોની સરહદ શરૂ થાય છે, નદી ક્યારેક

હોય છે તારી આંખીમાં, ક્યારેક નદીની આંખમાં જોઉં છું

તને, અને, અચાનક આંસુની સરહદ શરૂ થાય છે,

ધબકાર સાંભળી શકાય તેટલી શાંતિ, અને, પથ્થરો

હવામાં તરવા લાગે તેટલી હળવાશ ગાઢ બને છે,

કશીક સમયહીન સુવાસ ઘેરી વળે છે, અને, કવિતાની

સરહદ શરૂ થાય છે.

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 219)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015