sangrhasthan - Prose Poem | RekhtaGujarati

સંગ્રહસ્થાન

sangrhasthan

જયા મહેતા જયા મહેતા
સંગ્રહસ્થાન
જયા મહેતા

હળવેથી આવજો. મારી ભીતર એક સંગ્રહસ્થાન છે. શાંતિથી

ઊભી રહેજો. તમારો પોતાનો શ્વાસ સાંભળી શકો એટલી

શાંતિથી.

આ એક સંગ્રહસ્થાન છે. એમાં ભૂસું ભરેલી કોયલના કંઠમાં

થીજી ગયેલો ટહુકો છે અને પતંગિયાની ઝાંખી પડી ગયેલી

પાંખમાં રંગીન ઉડાઉડ ટૂંટિયું વળીને પડી છે,

શાંતિથી ઊભા રહેજો :

નજર માંડીને જોશો તો કબૂતરની ઘૂ ઘૂ ઘૂ-થી ફૂલેલી ડોક અને

ગભરુ સસલાની લાલ લાલ આંખમાં સિંહની ત્રાડનો

થરથરાટ જોઈ શકતો. ના, ના, ના, એની સામે બહુ વાર

જોયા ન કરશો. એ ફરી કદાચ ભયથી ફફડી ઊઠશે.

જુઓ પેલું હરણ...ઊછળતું-કૂદતું-દોડતું લાગે છે ને? પણ ના,

બરાબર જુઓ, એની ચંચળ ખરીઓ ખોડાઈ ગઈ છે ભોંયમાં

જડબેસલાક.

અને આ તરફ...ઓળખાય છે એ ચહેરો? એના હોઠ ફફડતા

લાગે છે? ના, ના, એને અડશો નહીં...

ભૂલી ગયા? આ એક સંગ્રહસ્થાન છે.

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007