
જ્યારથી આંખો ખોલી છે, ત્યારથી તું સદા મારી સંમુખ છે.
હું તારા પ્રેમમાં છું ક્ષણાર્ધ માટે પણ મેં તને અળગી નથી
કરી. મીંચેલી આંખે પણ હું તને જ જોઉં છું. આમ છતાં, ન
તો મેં તને પૂરેપૂરી જોઈ છે, ન તો હું તને જોતાં ધરાયો છું.
કઈ માટીની બનેલી છે તું પૃથ્વી! તેં પણ મને ક્ષણાર્ધ માટે
અળગો નથી કર્યો. સદાય પ્રસન્ન કર્યા કર્યો છે.
તું મારા પર ચન્દ્રમુખે ઝળુંબતી રહી. તું શૈલશિખરોથી
કામણ કરતી રહી. તું અરણ્યોનો મખમલ અંધાર ઓઢાડતી
રહી. તું મેદાનોનો રોમાંચ ધરતી રહી. તું આકાશ જેમ
વીંટળાતી રહી. તું પંખીઓની પંક્તિઓથી ગાતી રહી. તું
નદીઝરણાંની જેમ ઝરમરતી રહી. તું સમુદ્રની જેમ ઊછળતી
રહી. તું ઉચ્છ્વાસથી મને ગરમાવતી રહી. તું વનસ્પતિ થઈ
લહેરાતી રહી. તું પુષ્પોમાં ગંધવતી થઈ મહેકતી રહી. તું
ઋતુઓના ચક્રનૃત્યથી રીઝવતી રહી. તું ઉષાસંધ્યાએ માણેકો
વિખેરતી રહી.
ક્યારેક તારાંકિત વસ્ત્રો, ક્યારેક ગુચ્છાદાર વાદળો, ક્યારેક
લહેરાતો સતરંગી ઉપરણો, ક્યારેક મસૃણ ધારાવસ્ત્ર, ક્યારેક
વીજકામણ.
તું માત્ર અજાયબ નથી. તું ધારવા કરતાં પણ વધુ અજાયબ
છે, પૃથ્વી! અનંત ભૂરા અવકાશો વચ્ચે મૌનનાં અવતરણોમાં
તેં મને સદા ધારી રાખ્યો છે. આપણે તો ‘સૂતેલા સોડમાં
બંને સાત સિન્ધુ ઉછાળતાં રહ્યાં છીએ.’ મેં તારી કદી પ્રતીક્ષા
નથી કરી, કેમ કે, તું હાજરાહજૂર રહી છે.
અને... એટલે જ તારું અમૃત લઈ જવાને મારે માટે અન્ય
કોઈ ભુવનો નથી. કોઈ અન્ય સ્વર્ગ નથી. તું જ મારું સ્વર્ગ
છે. પૃથ્વી! તારી સાથે હું સદા સ્વર્ગવાસી છું, હું સદા
સ્વર્ગવાસી રહીશ.
સ્રોત
- પુસ્તક : કાલવેગ (પૃષ્ઠ ક્રમાંક 49)
- સર્જક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
- વર્ષ : 2024