ek patr - Prose Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાચિંડો તે શહેર. હું અહીં. તું ત્યાં, વચ્ચે રઝળે છે મારા-તારા કેટલાયે અવશેષો. બધું બદલાતું જાય છે સુખની જેમ, આકાશની જેમ. સ્વપ્નની બોદી દીવાલોના રણકારને પીઉં છું આંખોથી અને ત્વચા પર ખખડે છે વર્તમાનની એક એક ક્ષણ. ‘પછી શું?’નું અવતરણ સતત પીડે છે મારી એક ક્ષણને. તડકો બારીના કાચ સાથે આજે સવારે ફૂટી ગયો. ત્વચા પર જે છિદ્રો છે તે કાચની કચ્ચરોની જેમ હાંફી રહ્યાં. અશબ્દ વિશ્વ મને પીડે છે તેથી તો હું તરડાઈ જાઉં છું દર્પણમાં અને મારી વાતો શ્વાસ થઈ પ્રતિબિમ્બાય છે મારી સામે. તારા શહેરથી મારું શહેર જુદું. વચ્ચે લંબાઈને પડ્યો છે કાચિંડો. હું તો ઘડું છું મારા મૌનને... ચિત્તને શબ્દાવું શી રીતે? મનને ‘એ અહીં નથી’ કહી કેમ મનાવું? તું મારી બધી ઋતુ, તારા માટે થોડી ઉનાળાની સાંજ અને વરસાદી બપોરની થોડી ક્ષણો મેં સાચવી રાખી છે. હું શબ્દોથી વિશેષ કશું લંબાવી નથી શકતો તારી તરફ. તારો નીતિન પણ શહેરમાં બોલતો, કૉલ્ડ કૉફી પીતો, ઝૅઝ સાંભળતો ઉદાસ હસે છે. ઇમોશનલી ઇર્રેશનલ થઈ ગયો છે એ. વધુ પૂછીશ તો કહીશ ટ્રેન બની આવ-જા કરું છું અહીંથી ત્યાં. તારે મને યાદ આવવું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2010 (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : દલપત પઢિયાર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2013