dukal - Prose Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાચબો તો ક્યારનો સૂકોસૂકો પડ્યો રહ્યો તો હૈડિયા જેવો પથ્થરનો મહિનો માસથી અને અગાશીઓ તો જાણે કે ટાંકાની બળબળતી જીભો હોય એમ ખાલીખમ પડી રહેતી હતી બપોરે જડબા જેવા ઓરડાઓના બારણામાંથી નીકળીને આખીલમ અને ડામર ઓગળતો હતો હજી રહીસહી જાડી લાળ થઈને.

બાએ કયું’તું ખરું

કે કાચબા પછી ટાંકાની ભીંત પર માછલું દેખાશે અને ટોર્ચ ફેંકીને જરા ધ્યાનથી જોતાં રહેવું કેમકે ખાલી તો ના થઈ જવા દેવાય ટાંકાને પણ આમ કારમા દુકાળમાં, કોને ખબર, કે ભીંતો ભેદી ટાંકાની ઊઘડતી જશે આમ ટોર્ચના કુંડાળામાં અને આમ પછી માછલા પછી મગર, હિપોપોટેમસ અને બાનેયે નહીં ખબર હોય બરાબર કે આમ જળઘોડો ઊડડતો આવશે ટાંકાની ઊંડી ભીંતો પર બેબાકળી આંખો સામે ટોર્ચની. કોને ખબર કે આમ ટાંકાની ભીંત પરનો જળઘોડો તો કોણ જાણે કોણે ટાંક્યો હશે ને હતો વરસો, વીસીઓ, સદીઓથી ત્યાં પાણીમાં અને ઊંડે અને આમ કારમા દુકાળમાં ટાંકું ઊંડું ને ઊંડું ઊઘડ્યે જતાં ભીંતોમાં કારમી ગુફાઓમાં રહેતા ઘોડાઓ હણહણશે ડોલો ભરીને અને ચપળ ચિત્તાઓ.

હવે તો એવી બીક પેસી ગઈ છે ઊંડે કે ખૂબ તરસ્યા થઈ, દોરડા પર છેલ્લા દોરડાની મડાગાંઠ વાળવા જતાં સદેવંત સાવળિંગાની વારતામાં આવે તેવી પે’લી રાતની કામણી ગાંઠ ઊઘડી જશે અને પછી લપટી ગરગડી પરથી ભીનું દોરડું ખેચતાં અંદરથી ડોલ ભરીને આંધળાં, ઊંધાં, તરફડતાં નરમ ચામાચીડિયાં ડોલ ભરીને અરેરે નીકળી આવશે ઊંડા, અજાણ્યા ખાલીખમ થતા જતા ભૈરવ ટાંકામાંથી.

દુકાળના અણધારેલા વખતમાં, ખાલીખમ આકાશ અને તાવે ધગતી દિશાઓ ખાલીખમ બપોરે અગાશીઓમાં થઈ અજાણ્યા રસ્તે થતીકને ગરકી જાય છે ટાંકામાં છેક અંદર અને ભીંતો પર સદીઓથી સૂતા તે જાગી જશે, કદાચ છે ને, ચપળ ચિત્તાઓ કે માછલાં.

ગળામાં તો સોસ પડે છે ક્યારનો અને તાવે ધખે છે તાળવાં પણ હવે તો હિમ્મત નથી ચાલતી ટાંકામાં બીજી ડોલ ઉતારવાની. વળી થાકેલા હાથમાંથી દોરડું સરી પડતાં તળીએ પહોંચેલી ડોલને કાઢવા લોઢાની બિલાડીને અંદર ઉતારી તો ચપળ ચિત્તાઓ કરી ઊઠ્યા નફ્ફટ સિસકારા અને ટોર્ચ તો ફેંકતા પણ શરમ આવે આપડને છતાં ડોલ કાઢવાને પાછી લોઢાની બિલાડી ઊંચી ખેંચવી કે કેમ? દુકાળના અણધારેલા વખતમાં, કદાચ છે ને, એનો ભય પણ લાગે છે કે લોઢાની બિલાડીઓને શંકાની ભેદી ભીંતોની અણધારેલી ગુફાઓમાં સોનાનાં બચ્ચાં આવ્યાં.

જોકે લીંપણ પણ ઊખડી ગયું છે ને સુક્કી હવામાં તરાડો તરાડો કંઈ થઈ ગઈ છે ઓરડાઓમાં તે જરાયે સારું નથી લાગતું પણ તરાડોમાંથી જંતુ જીવાત નીકળ્યા કરે તોયે શું થઈ શકે? નળ તો જરા ટપકે અને વાંકી વળેલી ધાતુની ધગતી ચકલી તળે ડોલ મૂકો ના મૂકો ત્યાં તો ટપકી ટપકી નીતરતુંય બંધ થઈ જાય પાણી. તેમાં લીંપણ કોણ કરવા બેસે ને તરાડો તરાડો થઈ જાય, છતાં

તરસ તે તરસ? જાણે ગળામાંથી ખેંચાઈ ગઈ રાતે તે ભમ્મરો વચ્ચે મોડી સવારે ડૂચો થઈને ચાદર જેવી પડી રહી ખરડાયેલા મોં પર ને નાકના બેયે નસકોરાંમાં ઊંડે સુધી ઘૂસી ગઈ, સુકાયલી તરસ હોઠ પર કોરીકટ તરસ. બધાય કડક હોઠોની વચ્ચે થઈ બળાત્કારે રેડાઈ જાણે ગળાં સોંસરી ક્યાંયે ઊંડે તરસ. જાણે ડૂંટીમાંથી ફુવારો થઈને અથડાઈ વીજળીના બલ્બ સુધી અધ્ધર તરસ.

હવે તો ટાંકામાં પાણી ખૂટવા આવ્યું હશે અને વેમ પણ પેસી ગયા છે કેટલા મનમાં કે કાચબા પછી માછલા પછી નીકળશે જીવતી વ્હેલો ને શું બબડાટ? પણ યાદ છે બરાબર, ને વ્હેમ નથી કંઈ, કે બાએ ક્યું’તું, બરાબર યાદ છે કે, જો આમ ટાંકું ખાલીખમ થઈ જાય તો, બાયે જરૂર કયું’તું, કે ના ના, કંઈ વાત નથી જળઘોડાની ને ચિત્તાની ને ફોસલાવવાની વાતો નથી, પણ ખરેખર તો, જો ટાંકું ખાલીખમ થઈ ગયું કદાચિત કારમા દુકાળમાં તો તો અંદરથી ભીંતોમાંથી ને તળિયેથી મહિનાદાડામાં તો કંઈ કેટલીયે કીડીઓ થઈ જશે ને પછી તો ઊભરાશે ટાંકું ભરીને કંઈ કેટકેટલી કીડીઓ કંઈ ટાંકું ભરીને ને છેક પાયામાંથી ઘરના ને ઓરડાઓમાં ને જીભો જેવી ખાલીખમ અગાશીઓમાં ને લપટી ગરગડી પર લાંબા દોરડાઓ લટકતા હોય ત્યાંયે ને બધે કીડીઓ કીડીઓ, કીડીઓ કીડીઓ, કીડીઓ કીડીઓ, કીડીઓ કીડીઓ.

સ્રોત

  • પુસ્તક : ઓડિસ્યુસનું હલેસું (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009
  • આવૃત્તિ : 2