ne - Prose Poem | RekhtaGujarati

મારે વહેલા જાગવાનું છે નોકરીએ ભાગવાનું છે ટપાલો વાંચવાની છે

કાગળો લખવાના છે ફોન ઊંચકવાના છે સામે ઝીંકવાના છે

લંચ અવર્સ ચૂકવવાના છે બગાસાં ખાવાનાં છે સુસ્તી કાઢવાની છે

ટાઈપીંગ કરવાનું છે ઓવરટાઈમ મેળવવાનું છે ત્યાંથી છૂટવાનું છે

મિત્રોને મળવાનું છે નિંદામાં ભળવાનું છે રસ્તો સીધો છે

બસ લાલ છે મકાન ચોરસ છે પૃથ્વી ગોળ છે ઘરે આવવાનું છે

બૂટ ઉતારવાના છે ટાઈ કાઢવાની છે વાતો કરવાની છે

જમવાનું છે પાણી પીવાનું છે ઘૂંટડા ગળવાના છે

રેડિયો સાંભળવાનો છે બત્તી બુઝાવવાની છે પ્રેમ કરવાનો છે

સૂવાનું છે સપનાંએ આવવાનું છે રસ્તો દેખાતો નથી

બસમાં જગા નથી મકાનને આકાર નથી સમય ગોળ છે

ફરી પાછા પાછા ફરી જરી મરી મરી જરી ફરી ફરી

વહેલા જાગવાનુ છે જીવવાનું છે હા કહેવાની છે......

ને, હસવાનું છે.

(૧૯૬૮)

સ્રોત

  • પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સર્જક : સુરેશ દલાલ
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1986