khulaso - Prose Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું કવિતા લખી શકું છું, એનું કારણ કે મારી પત્ની સ્વેટર ગૂંથે છે અને બીજું કારણ કે મારી બાલ્કનીમાં એક આખાબોલું સૂરજમુખી છે.

જરા ફોડ પાડીને સમજાવું. હવે થયું એવું કે સવારે હું બાલ્કનીમાં દાતણ કરતો હતો. એવામાં કૂંડામાંથી એક સૂરજમુખી ઊઘડવા લાગ્યું. પહેલાં તો સૂનમૂન બેસી રહ્યું. પછી સૂરજ જોઈને હેરત પામ્યું. રોમાંચ થતો હોય એમ એણે નેત્રો ઢાળ્યાં. વળી પાછું તીરછી, શરમાળ આંખે સૂરજને જોવા લાગ્યું. એની બધી ચેષ્ટાઓ અટકાવીને હું બોલ્યો, “બહેન, હવે બસ કર. ઘરડો સૂર્ય દશ કોટિ વર્ષથી આમ ઊગે છે ને આથમે છે. લાખો સૂરજમુખી એને રોજેરોજ જુએ છે. માટે પ્લીઝ, પ્રેમઘેલી થા. પ્રમાણભાન જાળવ. આમ વ્યાકુળ થવું, એને તાકયા કરવું, બધું હાસ્યાસ્પદ છે.” સૂરજમુખી મને ઠપકાભર્યાં અવાજથી કહેવા લાગ્યું, “વડીલ, મને નાદાન વયની જાણીને મારો નાજાયિઝ ફાયદો ઉઠાવો. સૂરજ તો આજે જ, મારી આંખ સામે જ, જન્મ્યો છે.” આટલું કહીને એણે સૂરજ સામે મરમીલું હસી લીધું.

બાજુમાં બેઠેલી પત્નીએ, સૂરજમુખી સાથેનો મારો વાર્તાલાપ સાંભળ્યો નહીં. આજકાલ ખૂબ વ્યસ્ત રહે છે, હું બોલ્યો, “હજી તો સૂરજ ઊગ્યો ઊગ્યો, ને તારી ગૂંથવાની ડયુટી ચાલુ થઈ ગઈ....કેટલો ઢસરડો કરે છે તું! દરરોજ છ-છ કલાક ગૂંથીને તારાં આંગળાં અંગૂઠા જેવાં થઈ જશે! અને હે ભગવાન, આનો કંઈ અર્થ ખરો? જોઈએ તેટલાં ખૂબસૂરત ઊની સ્વેટરો બજારમાં મળે છે. કિફાયત ભાવ અને ગૅરંટી મળે તે તો નફામાં.” તેણે આંગળીઓ સ્થિર કરી અને હળવેથી પોતાની ચમકદાર આંખો ઊંચી કરી. સ્વેટર બતાવતાં ખોલી, “જો તો....આ કેટલું સુંવાળું અને વહાલું લાગે છે. અને હા, થોડું ઊન વધ્યું પણ છે. હવે હું પગમોજાં પણ ગૂંથી શકીશ-ટચૂકડાં, ટચૂકડાં.”

દશ કોટિ કવિતાઓ ઊગી ચૂકી છે અને આથમી ચૂકી છે. કહેવા જેવી સર્વ વસ્તુઓ કહેવાઈ ચૂકી છે. પણ મારા વડે કહેવાઈ નથી.

સુંદરમાં સુંદર કવિતાઓ બજારમાં ઉપલબ્ધ છે. પણ એને મેં ગૂંથી નથી.

હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો; પણ મને પડે છે. મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું. માટે હજી એક વધારે કવિતા, સામાન્ય અને બિનજરૂરી કવિતા, લખાશે.

We will do our own thing. અમે તો અમારી ચીજ કરવાના. કાવતરું ઘડયું છે મેં, મારી પત્નીએ, અને એક જિદ્દી નાના સૂરજમુખીએ.

સ્રોત

  • પુસ્તક : ઉદયન ઠક્કરનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012