warta - Prose Poem | RekhtaGujarati

એક હતી બકરી. નામ એનું અસ્મિતા. તેજતર્રાર સ્વભાવની. વાતેવાતે શિંગડાં ભેરવે. મગદૂર છે કોઈની કે અટકચાળું કરી જાય?

બચરવાળ થઈ પછી અસ્મિતા નરમ પડી ગઈ. ભલી ને એનું ઘર ભલું. શું પોતાનું નામ, પણ ભૂલી ગઈ.

એક દિવસ અસ્મિતા ચરવા ગઈ. જતાં જતાં ભટૂરિયાંને કહેતી ગઈ, ‘હું સાદ કરું તો બારણાં ઉઘાડજો. મારી બોલાશ ઓળખજો.’ તે જાણતી હતી કે માતાની ભાષા ઓળખનારાં જીવતાં રહે છે જંગલમાં.

અસ્મિતા જતી રહે એની રાહ જોતું હતું વરુ. ‘હલ્લો, હાઉ ડુ યુ ડુ!’ કરતુંકને આવ્યું. બોલ્યું:

બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં

તમારી મા આવી રે એલાં ભટુરિયાં...

ભટુરિયાંએ બારણાં ઉઘાડી નાખ્યાં. વુલ્ફ હસ્યું. એના દાંત દેખાયા, યલો યલો, લોંગ લોંગ.

અસ્મિતા મોડે મોડે પાછી આવી. એના થાનેલાથી દૂધના ટશિયા ફૂટે. બોલી:

બારણાં ઉઘાડજો રે એલાં ભટૂરિયાં

તમારી મા આવી રે એલાં ભટૂરિયાં

તમને ખવરાવશે રે એલાં ભટુરિયાં

તમને ધવરાવશે રે એલાં ભટુરિયાં...

પણ હવે કોણ ઉઘાડે બારણાં?

સ્રોત

  • પુસ્તક : રાવણહથ્થો (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2022