—ewo eno phalet - Prose Poem | RekhtaGujarati

—એવો એનો ફલેટ

—ewo eno phalet

સુરેશ દલાલ સુરેશ દલાલ
—એવો એનો ફલેટ
સુરેશ દલાલ

એક મકાન હતું. મકાનનો રંગ પીળો હતો. માણસના રંગ જેવો જ.

મકાનને અને માણસને સ્કવેર-ફૂટનો નાતો હતો, માણસને બીજા

માણસ સાથે હોય છે એવો જ. એક મકાનને ફ્લૅટ હતા, કોઈક નાના,

કોઈક મોટા,—જૂના જમાનામાં રાજાને કુંવર હોય એવા. બે રુમ

અને કિચનનો ત્રિકોણ હતો, ટૂથબ્રશ જેવી બાલ્કની હતી અને હાથ

સાંકડા-કરીને ટુવાલથી શરીર લૂછી શકો એટલો મોટો બાથરૂમ હતો.

હાથરુમ ભયો ભયો, બાથરૂમ જિયો જિયો, જિયો જિયો, ભયો

ભયો! ભયો ભયો, જિયો જિયો!

-પછી તો પૂછો વાત. રાત ને દિવસ, દિવસ ને રાત લીલાલહેર,

લીલાલહેર, ઘેર ઘેર લીલાલહેર. એક ફલૅટમાં એક બાબો હતો, એક

બેબી હતી. બાબો કોન્વેન્ટમાં જાય, બેબી કૉન્વેન્ટમાં જાય. બન્ને

જણ ‘જૅક ઍન્ડ જિલ, વેન્ટ અપ હિલ’– એવું એવું ગાય કે

પૂછો નહીં વાત. ‘હિકરી ડિકરી ડૉક.’ રાત ને દિવસ, દિવસ ને

રાત, જોકમજોક. રામાયણના પાઠ અંગ્રેજીમાં વાંચે અને બોલે ‘રામા

લિવ્ડ ઈન ફૉરેસ્ટ!’ મા રાજી થાય, બાપ રાજી થાય. બહુ રાજી

રાજી થાય એટલે લિફ્ટમાં આવે તે લિફ્ટમાં જાય.

એક દિવસ તો ગજબ થઈ. અજબ થઈ, ભઈ, ગજબ થઈ.

બાબાએ પૂછ્યું:“મમ્મી, જૅક ઍન્ડ જિલ હિલ પર કેવી રીતે

ગયાં? લિફ્ટમાં ગયાં, મમ્મી? મમ્મી હિલ પર જવા માટેની લિફ્ટ

કેવી હોય?”

મમ્મીએ તરત ઑફિસમાં ફોન કર્યો અને કહ્યું કે આપણો બાબો

હોશિયાર છે. કેવા બૅફલ કરે એવા કવેશ્ચન્સ પૂછે છે. સ્માર્ટ અને

નોટી બોય છે.

પડોશીને ફોન કરીને કહ્યું કે બાબાએ તે કંઈ સવાલ પૂછ્યો છે.

સવાલ તે કંઈ સવાલ પૂછ્યો છે! પડોશીએ કહ્યું કે હવેનાં છોકરાંની

તો વાત જવા દો. મારી બેબી શું સરસ રીતે કૃષ્ણ ભગવાનની

વાત કરે છે. કહે છે કે કૃષ્ણના રંગ તો ડાર્ક હતેા. એને બટર બહુ

ભાવે. ફ્રીજ ખોલે–બંધ કરે અને બટર લઈ લે. બૉલથી રમ્યા

કરે. એક દિવસ બૉલ રિવરમાં પડ્યો તે નાગની વાઇફે પછી બૉલને

અને લૉર્ડ કૃષ્ણાને બચાવી લીધા. શું… સ્માર્ટ જનરેશન છે!

જનરેશન ભયો ભયો, જનરેશન જિયો જિયો, જિયો જિયો,

ભયો ભયો! ભયો ભયો, જિયો જિયો!

એક એક મકાનમાં હોય છે ફ્લૅટ, જેવું જેનુ ગજવું, જેવું જેનું

પેટ-એક એક મકાનમાં ફ્લૅટમફ્લેટ. કોઈને ત્યાં ડૉગ, કોઈને ત્યાં કૅટ.

બધું પાળેલું. બારી પર પડદા પાળીએ. બાલ્કનીમાં, ટેરેસમાં ઝાડ

પાળીએ, પાન પાળીએ. ભગવાન પણ પાળેલા ગોખલામાં પંપાળેલા.

ડ્રૉઇંગ રૂમનો ખૂણેખૂણો, કેવો ભરેલો, કયાંય ઊણો વૉલ ટુ વૉલ

કાર્પેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ. એક મકાનમાં

ફ્લૅટમફ્લૅટ.

બેડરૂમમાં કૉસ્મેટિકસ, મિરર, નાઈટી, સ્લિપર, સ્લીપિંગ–પિલ્સ,

કૉન્ટ્રાસેપ્ટિવ્ઝ, પ્લેબોય, પેઈન્ટિંગ, મ્યુઝિક, ઝીંકાઝીંક, લમણાઝીંક,

માથાઝીક. આર્ગ્યુમેન્ટસ, સામસામા માંડ્યા કૅમ્પ્સ; અમે ડ્રૉઇંગરૂમમાં

હસીએ, અમે બેડરૂમમાં ભસીએ. પાળેલો ડૉગ, પાળેલી કૅટ; એક એક

મકાનમાં ફ્લૅટમફ્લૅટ. જેવું જેનું ગજવું, જેવું જેનુ પેટ. ધિસ ઍન્ડ

ધૅટ, ધૅટ ઍન્ડ ધિસ, કિસમકિસ, ભીંસમભીંસ, ધિસ ઍન્ડ ધૅટ.

લેફ્ટ, રાઈટ, રાઈટ, લેફ્ટ.

લંચ, ડિનર, પાર્ટી, રિસેપ્સશન્સ. પિકનિક, ફિલ્મ્સ, ડ્રામા,—રામા

લિવ્ડ ઈન ફૉરેસ્ટ.

કોઈકને ત્યાં જવું હોય તો પૂછીને જવાનું, શોકસભામાં જવું હોય

તો આંખ લૂછીને જવાનું, બધું ક્રમ પ્રમાણે, બધું નિયમ

પ્રમાણે, બધું પ્રમાણે પ્રમાણે. મોટેથી હસાય નહીં. છીંક ખાવાની

અને ‘એક્સક્યૂઝ મી’ બોલવાનું. પાસે રાખવાના ફિક્કા ફિક્કા-ત્રણ

ચાર સિક્કા. ‘થેંક્યુ, સૉરી, હૅપી ટુ સી યુ.' યુ યુ, આઈ યુ.

વિઝિટિંગ કાર્ડ, ફોન નંબર, ઍપોઇન્ટમેન્ટ, વાતવાતમાં સ્ટેડિયમ,

વાતવાતમાં ક્રિકેટ, સિગારેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ,

એવો એનો ફ્લૅટ. ફ્લૅટ ભયો ભયો, ફ્લૅટ જિયો જિયો. ભયો ભયો,

જિયો જિયો! જિયો જિયો, ભયો ભયો!

ફિયાટ ને ઍમ્બેસેડર, ઑબેરોય અને શમિયાણા, દિલ્હી ને દાર્જિલિંગ,

વ્હિસ્કી સાથે કાજુ ને શીંગ, ટાઈપીન, કફલિંક હિલ્સ ને પિલ્સ.

આંખોમાં ગ્રિલ્સ. અમને સમારભાની હોંશ, અમને વ્હિસ્કીમાં

સંતોષ, કયાંય નહીં હોય અમારો દોષ; અમે ડ્રૉઇંગરૂમમાં હસીએ,

અમે બેડરૂમમાં ભસીએ. આજે બૈરુત, કાલે તિબેટ, આખું જીવન

જમ્બોજેટ, જેવું જેનું ગજવું એવો એનો ફ્લૅટ. મકાન જિયો

જિયો, પીળા રંગ જિયો જિયો, માણસ ખાલી ખાલી, સ્કવેર-ફીટ

ભયો ભયો.

એક મકાન હતું. મકાનને અને માણસને સ્કવેર ફૂટનો નાતો હતો,

સમજ નથી પડતી કે માણસ રોતો હતો કે માણસ ગાતો હતો.

(૧૧-૪-૧૯૭૬)

સ્રોત

  • પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 320)
  • સર્જક : સુરેશ દલાલ
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1986