faliyu (ek aheval helusinationno) - Prose Poem | RekhtaGujarati

ફળિયું (એક અહેવાલ હેલુસિનેશનનો)

faliyu (ek aheval helusinationno)

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
ફળિયું (એક અહેવાલ હેલુસિનેશનનો)
હરીશ મીનાશ્રુ

હન્માન મિસ્ત્રીને ઓટલે ભૂપલાનો દાદો કોકની દુખતી દાઢ મંતરે છે. ડોસાના હોઠના ફફડાટ સાથે પેલાના સણકા શમતા જતા હોય એવો ભાસ થાય છે. છાપરાની ટોચે બેઠેલો એકાદો રામદૂત ચકાસી જુએ છે પોતાની સળકેલી ભ્રષ્ટ દાઢને અને દાંતિયું કરીને મને બંદરછાપ કાળા દંતમંજનની ભલામણ કરે છે.

રમણભમણ ઊંઘને લીધે મારી આંખો ભમરડા જેવી થઈ ગઈ છે.

ફરિશ્તાઓ ઘુમરડી ખાઈને જૂનાં કૅલેન્ડરોનાં ડટ્ટાનાં પાનિયાં ફાડીને

જે તે દિવસનાં સુભાષિતો ઉડાડે છે મારા વૉટ્સઍપમાં.

સંતોષી માનું સોળ શુક્રવારનું વ્રત કર્યા પછી પણ ચંચળકાકીની વચલી વહુ, કંતાન પાથરીને બેઠી છે પરસાળમાં, બારીની સાવ નજીક, પણ બૈરાંની ભાષામાં ગણાય છે 'છેટે બેઠેલી.' જ્યારે જીવતે જગતિયું કરીને કેશવલાલ કાપડિયા ભલે બેઠા છે ઓટલે ટાંગા લબડાવીને, પણ મોટેરાંઓની ભાષામાં હંમેશાં ગણાય છે 'ઊભેલા', મુન્શિપાલ્ટીમાં.

ઘડિયાળના કાંટે ચકરાવે ચડ્યાં છે ભ્રમણ ને ભ્રમણા.

ડાલીના ડાયલની જેમ ઓગળી રહ્યું છે મારું થોબડું.

તરવાડીની ખડકીમાં ગોદાવરી ડોશી ખોળામાં ચાર મહિનાનું માંદલું ભાણેજું લઈને બેઠી છે, એ રડકણા છોકરાના ડિલ ઉપર ભેદી રીતે સાવરણી ઘુમાવીને ઓચ્છવ તરવાડી ઊંજણી ઉતારે છે ને સાવરણીનાં છૂંછાંને વળગેલો તાવ લીંપણવાળી ભોંયે ખંખેરી નાખે છે. કીડીઓની રાતી કતાર એ તાવ ને તરિયાનાં રજકણો વીણી લઈને સરકતી રહે છે દરમાં.

કોઈ કહેશો, આ નોસ્ટાલ્જિક સિરિયલના કુલ્લે કેટલા એપિસોડ છે?

બારાખડીની આ બોરિંગ જાહેરાત

કવિતાના એક એપિસોડમાં સરેરાશ કેટલી વખત લમણે ઝીંકાશે?

સસિકાંતની બીજવારુકી નવી સરમાર ને સદ્ગુની વહુ સારદા સરમાતી સરમાતી 'જે સોમ્નારાયન' કહીને કઢી ભેગાં ઉકારવાં કરેપાકનાં ચાર પત્તાં તોડે છે ને કુંભ રાશિના સિરીસભાઈના ચૉકના લીમડાની બધી ડારીઓ થઈ જાય છે મીઠી, રે રન્છોડ રંગીલા.

બાવા આદમના જમાનાના

થાળીવાજાની ચાવી ઊતરી જવાથી

કાંતિ ગોરના સાઇગલનો ઠરડાઈ ગયેલો અવાજ ચિદાકાશમાં ફેલાય છે

અનુનાસિક લિસોટાની જેમ, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક બનીને.

કમળામાસીની તીજા નંબરની જોતિકા બીજા માળની બારીએ નવમા ધોરણની ગુજરાતીની 'ગ્રાઇડ'માં રાજેશ ખન્નાનો ફોટો વાંચતી ઊભી છે ને અચાનક ગદ્ગદ થઈને ફરાકની કોર ઊંચી કરીને શરદવર્ણનું ભેજવાળું નાક લૂછે છે. એ જોઈને વિષ્ણુની મેલખાઉ રંગની નાસિકા પર વસંતપંચમી બેઠી હોય તેવી ખંજવાળ આવે છે ને ભીંતે સટરપટર ચડઊતર કરતી ખિસકોલીઓના ગ્રે કલરના ચટાપટા બેચાર સેકન્ડ માટે પીળા નારંગી ને પારજાંબલી બની જાય છે.

નારણદેવ મહાદેવની આરતીના ઘંટારવ ભેગું

ફળિયાને નાકે આવેલી ડબગરની દુકાનનાં નરઘાંનું ઢબૂક ડબૂક

કાનમાં ભાંગની માફક લસોટાય છે

ને હું કાન વડે પટકથા લખું છું, આંખ વડે ભૂંસું છું ને ચામ વડે આમ ભાખું છું.

આજે લગભગ ત્રણ મહિને મહુરત જોઈને ભગલો રાત ફળિયામાં પેઠો છે. સજૈયો સજાવીને તમામ રાંડીરાંડોનાં ભોડકાં એક પછી એક બોડે છે. બીજી જ પળથી પોતપોતાના ગતે-અવગતે ગયેલા ભાયડાઓને ચીડવતી હોય એમ, એ બધીઓ પોતપોતાના તાલકા પર બમણા જોરથી ધોળાં ભૂખરાં ખૂંપરાં ઉગાડવા માંડે છે ને વટસાવિત્રીવ્રત વખતે વાપરેલાં વડનાં પાંદડાં અકાળે વટભેર ખેરવી નાખે છે.

કલાઈ કરનારાએ પિત્તળના વાસણ પર ભભરાવેલો નવસાર બળે છે

ને એની ગંધથી મારી પાકટ ઉંમર પર teenની પાતળી ચળકતી પરત

એ રીતે ચડતી જાય છે કે

આ કથાનાં તમામ પાત્રો કાલ્પનિક મટીને

કોઈ ને કોઈ મૃત કે જીવિત વ્યક્તિની વાસ્તવિકતા ધારણ કરી લે છે.

મધુબે'ન મનોહરભાઈ ઠાકર બી.એ., બી.એડ. કન્યાશાળામાં સમાજવિદ્યાનાં શિક્ષિકા છે, પણ કાયમ નરમગરમ રહેતી તબિયતને લીધે સૌ એમને સિકસિકાના નામે ઓળખે છે. ગઈ સાલ બીજી દીકરીને પણ સાસરે વળાવી દીધી છે તોય મધુમનોહરનાં લગ્નનું આલબમ હજી ડ્રૉઇંગરૂમની પાટ પર પડેલું હોય છે. એને જોવા માટે દરરોજ રાત્રે સ્વયં વસિષ્ઠ-અરુંધતી દીવાનખંડમાં ઊતરી આવે છે.

સ્વપ્ન, યથાર્થ ને વ્યથાર્થનો આથો ચડી ગયો છે મારાં ચશ્માંને.

૨૭ કબૂતરો, ૭૮ ચકલીઓ(હાલ લાપતા), ૧૮ ખિસકોલીઓ,

૧૨૫ વંદા, ૨ કૂતરાં – બંને ખસૂડિયાં ને ભસૂડિયાં, ૧૮ અંડરગ્રાઉન્ડ દેડકીઓ,

૫૩ ગરોળીઓ ઇત્યાદિ જીવસમૂહોનો બનેલો

આ કુનબો નિરુપદ્રવી અને એખલાસભર્યો છે, સાહેબ.

આ ડ્રીમ સીક્વન્સના શૂટિંગ દરમિયાન

કોઈ પણ પશુપંખી કે કીટકને હાનિ પહોંચાડવામાં નથી આવી.

...ને તાકડે ગોરધન ધગટ 'હોડી હૌડી'ના દેકારા કરીને એંઠવાડો ખાતી ગાયને ભગાડવા ડફણું વીંઝે છે ને બધા ગોબ્રાહ્મણપ્રતિપાળો ભડકીને આત્મરક્ષણાર્થે પગવગા ઓટલે ચડી જાય છે.

વીતેલી અડધી સદીનો

સમય અવળસવળ થઈને

હવાઈની જેમ વછૂટે છે ને ફૂટે છે મારા વર્તમાનમાં

ફાઉલ લૅન્ગ્વેજ, સબ્સ્ટન્સ, વાયોલેન્સ...

ગયા બુધવારે જશોદા ફઈએ છીંકણીની ડાબલીમાંથી મસમોટો ચપટો નાકમાં ચડાવીને, વાયુના આલંબને તુચ્છ વસ્તુનું વિસ્ફોટમાં રૂપાંતર સાધેલું. એ પ્રચંડ છીંકની ઢીંકની ઝીંક તિભોવનની સાઇકલ તો ક્યાંથી ઝીલી શકે? તે ફળિયા વચ્ચે થઈ ગયેલી લાંબી છટ. ચાંપલી ફૂલફટાકડીઓના ફી ફી ફી, હૂંછીઘોડાઓના હી હી હી ને ખડ્ડુસોના ખી ખી ખી ખિખિયાટાથી આખું ફળિયું બની ગયેલું ફજેતાનો ફાળકો. એ દા'ડે બધા ચશ્મદીદોને જે નવીનક્કોર ગાળો શીખવા મળેલી તે ડોમેસ્ટિક વઢવાડ વખતે, વારેતહેવારે ને વહેવારે, ઓટલેથી વિવિધ ભારતીની જેમ પ્રસારિત થતી રહે છે 'ફૌજી' બાઈઓ દ્વારા.

અચાનક મારું ધ્યાન જાય છે કે એ જ આજે પુનઃ પ્રસારિત થઈ રહી છે ઓટીટી પરની આ સોશિયલ થ્રિલરમાં.

પૃથ્વી પહેલાં કરતાં વધારે ત્રિકોણ થઈ ગઈ છે,

સ્મૃતિ વધુ ચળકતી, લપસણી ને લિસ્સી, મન મેન્ડોલિન જેવું ડોલાયમાન

મારી ડાગળી રેન્ડમ ને ડમડમ ડિગા ડિગા

મારા ઢળતી ઉંમરના ધડ ઉપર

ધડિમ દઈને

કોઈએ મારું ટીનએજરિયું માથું ચિટકાડી દીધું છે.

(ઉપસંહાર : ખરું કહું તો આ વખતે મારો ઇરાદો તો એવો હતો કે બધા આર્ટિફિસલિયા કરે છે એમ, આ કવિતા લખવા, ચેટ જીપીટી - ગ્રોક - ક્વોડ કે ડીપસીકને અજમાવી જોવાં. પાછલે બારણે. પણ આ મામલે એ બનાવટી બુદ્ધિજીવીઓ બિલકુલ બુદ્ધુ સાબિત થયા. એટલે છેવટે મારે જ એ કામ પતાવવું પડ્યું, હંમેશની જેમ નાછૂટકે.)

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : નવેમ્બર ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન