gadyakawya - Prose Poem | RekhtaGujarati

ગદ્યકાવ્ય

gadyakawya

બાબુ સુથાર બાબુ સુથાર
ગદ્યકાવ્ય
બાબુ સુથાર

ક્યારેક મને એકલા-એકલા ખૂબ કંટાળો આવે ત્યારે હું પથારીમાં પટલીએ પડીને મારી બારીમાંથી દેખાતા પર્વતોને ઊંચકીને મારા ઓરડામાં લઈ આવતો હોઉં છું અને પછી એમની સાથે ભાતભાતની રમત રમતો હોઉં છું. ક્યારેક હું એમની સાથે પત્તાં રમતો હોઉં છું તો ક્યારેક કૅરમ. જોકે, પર્વતોને પત્તાં રમવાનું ગમતું નથી અને કૅરમમાં મારા જેટલા હોશિયાર નથી એટલે બધ્ધી વખતે હું જીતી જતો હોઉં છું. એને કારણે હું વધારે એકલો પડી જતો હોઉં છું. ક્યારેક હું પર્વતોને કાનપટ્ટી પકડાવીને ઊઠબેસ કરાવતો હોઉં છું. પર્વતોને પણ એમ કરવાની ખૂબ મજા આવતી હોય છે. ઘણી વાર હું એમને મારી પથારીમાં ગોઠવી દઈ એમની તળેટીમાં સૂઈ પણ જતો હોઉં છું. મને એમની તળેટીઓમાં, ખાસ કરીને એમની તળેટીઓમાં પડેલાં પથ્થર અને ઘાસની પડખે, સૂઈ જવાનું ખૂબ ગમતું હોય છે.

એક દિવસની વાત છે. મને ખૂબ કંટાળો આવતો હતો. એટલે હું ગયો મારી સૂવાની ઓરડીમાં અને પડ્યો પટલિયે પથારીમાં. પછી મેં બારી ખોલી, પણ શું? જોઉં છું તો મારા પર્વતો ગાયબ હતા. મને આશ્ચર્ય થયું : કોણ લઈ ગયું હશે પર્વતોને? મેં ધારી-ધારીને જોયું. જોઉં છું તો પર્વતોની જગ્યાએ નદીઓ વહેતી હતી. મને થયું : લાવ નદીઓ સાથે રમવા દે. એટલે હું હાથ લંબાવીને લઈ આવ્યો નદીઓને મારી ઓરડીમાં. પછી મેં નદીઓને કહ્યું : ચાલો, પત્તાં રમીએ, પણ એમને પણ પત્તાં રમતાં આવડતું હતું. એટલે મેં કહ્યું : તો ચાલો કૅરમ રમીએ. નદીઓ સમંત થઈ. પણ, એક પણ નદી કૅરમ બરાબર રમી શકી, કેમ કે સતત વહેતા રહેવાને કારણે એમને ખુરશીમાં બેસવાનું ફાવતું હતું. એટલું નહીં, નદી એક કૂકરીને માર્યા પછી વહેવા માંડતી અને ત્યાર પછી આવતી બીજી નદી પહેલી નદીએ કઈ કૂકરીને માર્યું છે વાત ભૂલી જતી. દરેક વખતે મારે એમને કહેવું પડતું કે એમની કૂકરી કાળી છે. એટલે હું થોડીક વારમાં એમની સાથે કૅરમ રમીને કંટાળી ગયો. પછી મેં કહ્યું : ચાલો તો કાન પકડીને ઊઠબેસ કરો, પણ નદીઓ તો એકબીજાની સામે જોતી રહી. એમને કાન પણ હતા અને સતત પડ્યા-પડ્યા વહેતા રહેવાને કારણે ઊઠબેસ કરી શકે એમ પણ હતી. આખરે મેં નદીઓને મારી પથારીમાં મૂકી દીધી તો ત્યાં ખળખળ વહેવા લાગી. પછી હું નદીઓને કાંઠે જરા આડો પડ્યો.

ત્યાં એકાએક બારણું ખખડ્યું. મેં ઊભા થઈને બારણું ખોલ્યું : જોઉં છું તો મારી સામે મારી પાડોશમાં રહેતી હતી યુવતી ઊભી હતી. મેં યુવતીને ઘણી વાર જોઈ હતી, પણ મેં એને કે એણે મને કદી 'કેમ છો' સરખું પણ કહ્યું હતું. મેં જોયું તો એના ખભા પર મારા પર્વતો હતા. યુવતીએ મને કહ્યું : માફ કરજો, પર્વતો તમારા છે. એમને અડકોદડકો રમતાં નથી આવડતું. તમે પર્વતો પાછા લઈ લો અને મને મારી નદીઓ પાછી આપો.

હું કંઈ બોલ્યો. હું ચૂપચાપ મારી ઓરડીમાં ગયો. ત્યાંથી નદીઓ લઈને મેં એને આપી દીધી અને બદલામાં માર પર્વતો લઈ લીધા.

હવે અમે જ્યારે પણ કંટાળીયે છીએ ત્યારે પેલા પર્વતો કે પેલી નદીઓને અમારી પાસે બોલાવવાને બદલે હું અને યુવતી એમની પાસે જતાં હોઈએ છીએ અને એમને કાનપટ્ટી પકડાવીને ઊઠબેસ કરાવવાને બદલે અમે એકબીજાનાં કાનપટ્ટી પકડીને મિયાઉં-મિયાઉં રમતાં હોઈએ છીએ.

સ્રોત

  • પુસ્તક : ઉદ્વેગ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : બાબુ સુથાર
  • પ્રકાશક : ઝેન ઓપુસ
  • વર્ષ : 2023