અર્નેસ્ટ હેમિંગ્વે
Ernest Hemingway
હવે બધું જ એક કવિતા વડે આપણે કહી નાખીએ. એક કવિતા જે સારી નહિ હોય. એક કવિતા જેને હસી કાઢવી બહુ જ સહેલી હશે અને જેનો કંઈ જ અર્થ નહીં હોય. એક કિન્નાખોર કવિતા. એક છિદ્રાન્વેશી માણસે લખેલી કવિતા એક ઈર્ષાળુ છોકરાએ લખેલી કવિતા.
જે અહીં જમવા આવ્યા કરતો એણે લખેલી કવિતા. કંઈ બહુ સારી નહિ એવી કવિતા. એક કવિતા જે સિટવેલ્સના વૈભવી કુટુંબનો ઉલ્લેખ નથી કરતી. એક કવિતા જે ઇગ્લેંડ ક્યારેય ગઈ જ નથી. લાગણીઓ દૂભવવા માટેની ટચૂકડી એક કવિતા. એક કવિતા જેમાં કોઈ કાગડો નથી આવતો. એક કવિતા જેમાં કોઈ મરી નથી જતું. એક નાનકડી કવિતા જે પ્રેમ વિશે નથી કહેતી. એક નાદાન અણસમજુ માણસે લખેલી કવિતા. એક ઈર્ષાળુ કવિતા. એક હલકી કવિતા. એક ન લખવા લાયક કવિતા. એક કવિતા કે શા માટે આવી કવિતાઓ લખાય છે. એક કવિતા કે આ તે કંઈ કવિતા છે. એક કવિતા જે આપણે લખીએ તો વધુ સારું એક કવિતા જે વધુ સારી રીતે લખી શકાય. એક કવિતા. જે બધા જાણે છે એ કહેતી કવિતા. જે કોઈએ સ્વપ્નેય વિચાર્યું નથી એ કહેતી કવિતા. એક મામૂલી કવિતા. એક કવિતા કે નહિ.
ગર્ટ્રુડ સ્ટેઇન ગાંડી હતી જ નહીં
ગર્ટુડ સ્ટેઇન બહુ આળસુ હતી.
હવે જ્યારે બધું જ પતી ગયું છે ત્યારે, એ બધા વિશે જો તમે દરકાર રાખી હોત તો સારો એવો ફરક પડી જાત.
(અનુ. દર્શન જરીવાલા)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 148)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
