(સમય : માર્ચ ૧૯૭૪નો)
રાતના ૧ર.૪૦. નર્સના આંટાફેરા. રૂમનું વધતું-ઘટતું ટૉમ્પરેચર. ઇન્જેક્શનની સિરિંજમાં પરોવાતું જતું ધ્યાન. ટપોટપ ઍમ્બ્યુલન્સ વાનો આવવા લાગે ને આવતી કાલનાં છાપાંમાંનું ‘ટૅન્શન’ દેખાવા લાગે. હાંફની વધ-ઘટ વચ્ચે સવાર પડે ને સામેની અગાસીએ કોઈ બાળકના રડમસ ચહેરા જેવો ઝાંખો સૂરજ ચડવા લાગે. ઘેનનું ઇન્જેક્શન સહસા ઊતરી ગયું હોય એમ હૉસ્પિટલ સફાળી બેઠી થઈ જાય. દૂધવાળાઓ, ચાવાળાઓ, સ્વીપર્સ, સફેદ વસ્ત્રોની ફરફર – જોતો રહું ને નિઃસહાયતાની ચાદર સહેજ નજીક ખેંચું...
અને એક દિવસ એટલે કે ૩ માર્ચ ૧૯૭૪
પ્રવેશતાંવેંત બારી પાસે તાજો જ પ્રગટાવેલ દીપ મારું ધ્યાન... મારી નજર સમક્ષ મેં સાંભળેલી બધી જ વિધિઓ તરવરવા લાગે બધા – બધા જ પ્રયત્નો પર સફેદ ચાદરનું આસ્તેથી ઢંકાઈ જવું.
વતનમાં એમની સ્મૃતિ
ખડકીના ગોખલા આગળ એમના શબ્દો જોયા, એમણે કરેલો સાથિયો. તમાકુનું ભૂંગરાળું પડી રહેતું એ જગ્યા, જ્યાં તેઓ પાઠ કરવા બેસતા એ જૂના ઘરનો ઉંબરો, અને ફરી પાછું ખડકીના ગોખલામાં પડી રહેલું એમનું જૂનું પંચિયું, દેશી તમાકુ ભરેલો લીલો શીશો, પાણિયારે દોરેલા ગણપતિ પાસે પડી રહેતા પાટલે બેસી જમતાં જમતાં ક્યારેક કહેલી અમદાવાદની નવાજૂની – બધું, બધું જ યાદ આવી ગયું. મેડા ઉપર બારી પાસે પડી રહેલા ખાટલે એમની આદતે માથે ધોતિયાનો કડકો મૂકી આડો પડ્યો તો ખાસ્સી કલાકેક ઊંઘ આવી ગઈ.
A Retrospect
હૉસ્પિટલના ત્રીજા માળનાં ખુલ્લાં ગવાક્ષમાંથી જેની પ્રતીક્ષા કરું છું તે ઍમ્બ્યુલન્સ વાન થોડા સમયમાં આવી લાગે છે. એક ધબકતો દેહ, ઋષિચહેરો – સ્ટ્રેચરમાં લવાતો અને થોડા દા’ડા કેડે લઈ જવાતો – જોઉં છું અને મને જૂના ઘરને પેલ્લે બેસતા, તમાકુનું ભૂંગરાળું ફંફોસવા માટે ખિસ્સામાં હાથ નાખતા, ઉતાવળમાં બંડીનાં બટન બંધ કરવાનું ભૂલી જતા અને ઊંધી ટોપી પહેરતા, ગુનગુન પાઠ કરતા શિવમહિમ્નસ્તોત્રનો, બપોરે પીઠ ફેરવીને આડા પડતા, જોરજોરથી બૂમો પાડીને મને ઉઠાડતા મારા દાદા યાદ આવ્યા – એમનો ફોટો સાફ કરતાં એમાં મારું પ્રતિબિંબ દેખાય છે અને એમની સાથે રહેલ મને મળવા હું એકાએક દોટ મૂકું છું તો ઠેસ વાગે છે ને લથડી, ફસડાઈ પડું છું – આ લિસ્સા કાગળ પર.
સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-3 (પૃષ્ઠ ક્રમાંક 153)
- સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981