lakha bhagatna chhapaa - Parody | RekhtaGujarati

લખા ભગતના છપ્પા

lakha bhagatna chhapaa

અરદેશર ખબરદાર અરદેશર ખબરદાર
લખા ભગતના છપ્પા
અરદેશર ખબરદાર

સાક્ષરોના વાડા કંઈ પડ્યા, તંત્રીઓ વરઘોડે ચઢ્યા,

નિજ મિત્રોનાં કરે વખાણ, અન્ય બધાની દાણાદાણ;

લખા સમજી લેજો સહુ, ઘેર દીકરી ને પરઘેર વહુ!

તું તારો નિરખી લે વેશ, કાં બની બેસે આપ મહેશ?

પૂમડું કાને કોસી ફરે, તેથી નહીં અત્તારી ઠરે;

સરવરતીરે બગ પણ જાય, લખા તે સૌ હંસ ગણાય!

સહજ વસે વાળી ચૈતન્ય, તો બને કવિતા ત્યાં ધન્ય,

ઘસી ઘસી દે છોલી કપાળ, કવિતા નહિ ઉતરે કો કાળ,

લખા પ્રયત્ને પૂતળું થાય, પણ નહીં અંદર જીવ મૂકાય?

કોણ વાદળમાં વીજળી ભરે? કોણ હરણીને અંજન કરે?

ક્યાંથી સુગંધ પામી કસ્તુરી? કેમ ઈક્ષુને મળી માધુરી?

મેઘે કેમ ઘનુનું સૌન્દર્ય? લખા સર્વ સહજ આશ્ચર્ય?

ભારી જબરા કરો પ્રયત્ન, નહીં બને કુદરતનું રત્ન,

સાક્ષરતા મથી કવિતા કરે, પણ પેલી રવિતા નહીં વરે;

લખા મર્મ ઉરે આણિયો, આભને તોલે કોણ વાણિયો?

સોળ સ્વરો વ્યંજન છત્રીશ, વાણીનો વિસ્તાર વણીશ,

જ્યાંના ત્યાં મહીં રહે ગૂંચેલ, તે તો સૌ ઘાંચીના બેલ;

લખા ત્રેપનનો ફોડે પાર, ત્યાં વાણી વીજળી ચમકાર!

કવિ થયો તો વાણી જીત, બાકી તો ઘાણીની રીત,

ભાવ વિચાર ને કલ્પન નવું, નહીં કો પણ ઊંચકાવે ભવું;

લખા વાણી સિદ્ધિ એક પામ! ક્યાં રામાયણ વિણ રહે રામ?

ત્રણ ગુણથી કવિતા વિસ્તાર, ભાવ, કલ્પના અને વિચાર,

પણ આત્મા તો છે રસવાણ તે વિણ મૃત દેહ પ્રમાણ;

લખા મજાનું ચૈતન્ય, છે જડ જેવાં લક્ષણ અન્ય.

હું નહીં સાક્ષર કે વિદ્વાન, કવિને રહે કવિતાનું તાન,

મુજમાં કાવ્ય ને કાવ્યે હુંય, અદ્વૈતે પર કશુંય;

કવિ કવે તે કવિતા, લખા! કવિતા લખે તે કવિ નહીં, સખા!

કવિની કવિતા એવી જાણ, રવિની રવિતા સિદ્ધ પ્રમાણ,

સૂરજમાંથી કિરણો ફૂટે, સાગરમાંથી મોજાં ઊઠે,

કિરણો પકડી ભેગાં કરો, મોજાં ઝીલી ખાડો ભરો,

નહીં રવિ કે સાગર થાય, લખા ખરા કવિ એમ પરખાય!

કોઈ કહે પદ્યે શું થાય? રસ વાક્ય કવિતા કહેવાય,

કો કહે કવિતા અર્થપ્રવાહ, જેમ તેમ ગોઠવી પડવું રાહ;

કો કહે જુદું કવિતામાધુર્ય, કો દાખે ડોલનચાતુર્ય,

લખા અશક્તિનાં વેવલાં, વૃષ્ટિ કરે છે શું નેવલાં?

ઊડનારો આકાશે ચઢે, તરનારો પાણીમાં પડે,

લડે વાયુ કે જળ સાથ, નિજ નિજ કળા કસે નિજ હાથ;

પદ્ય બંધન કવિતા તણાં, લખા તો રાંડ્યા કવિપણાં?

કવિપદ લેવા મંથન કરે, પણ વાણી સિદ્ધિ નહીં વરે,

કવિ જન્મે ત્યાં કવિતા ફૂટે, કવિતા ફૂટતાં વાણી છૂટે,

નહીં બોલે જીભે જીવતી, લખા ભીંત ચીતરી સરસ્વતી!

ચિત્ર ચીતારો જે ચીતરે, કલ્પનમાં રહ્યું ઉતરે કરે,

રંગ પૂરે કે રેખા ઘાટ, આંખે વસ્યું ઉતારે પાટ;

શું ચીતર્યું તે ખોળવા પડે, લખા ચીતારો તે શું રડે?

દુનિયા અસલી રૂપ જણાય, સૃષ્ટિ અને બ્રહ્માંડ લખાય,

વૃષ્ટિ અને વરસાદ રાંકડા, બ્રિષા અને પ્રાવૃષ ફાંકડા;

સાક્ષરતા શી ગુજરાતીમાં? લખા સીતા રૂડી કે ફાતિમા?

નથી દોષ ગુર્જર જનતણો, બાર વહ્યો સાક્ષરનો ઘણો,

ગૂંગો બોલે આખું અબ્દ, નહીં સમજે જન તેનો શબ્દ;

લોકહૃદય નીરસ શેં કહે, ખુલ્લું બોલે તો સહુ લહે,

પદે પદે બોલાવે ક્યાંય, લખા એહ ગૂંગાની માય?

મહાસાક્ષર ચોળીને શિર, સાત વર્ષે રાંધી રહે ખીર,

સાકર બદલે કાંકર ભરી, જાય ગળે નહીં તે ઊતરી;

રોડાં બહુ આવે ‘જ’ વચેટ, નામ બડું પાડ્યું સૉનેટ,

લખા મિયાંની ભેંસ થાય, તેને કેમ ડોબું કહેવાય?

ગયા પરણવા ઘેલાભાઈ, ભૂલ્યા સસરાનું ઘર ક્યાંહી?

જાનૈયા બોલાવ્યા પૂઠે, ચાલે ચાલે ને માર્ગ ખૂટે;

લખા ઘેલાની જાને જવું, ભૂખે મરીને હડધૂત થવું.

રસપ્રદ તથ્યો

(1) ઈક્ષુને = શેરડીને; (2) તોલે = જોખે.

સ્રોત

  • પુસ્તક : ચયનિકા (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર (‘મધુરમ્’)
  • પ્રકાશક : પારસી પંચાયત બોર્ડ
  • વર્ષ : 1994