kawiman takrar - Parody | RekhtaGujarati

કવિમાં તકરાર

kawiman takrar

મનુ હ. દવે મનુ હ. દવે
કવિમાં તકરાર
મનુ હ. દવે

[‘પશુમાં પડી એક તકરાર' - કાવ્યનું પ્રતિકાવ્ય]

કવિમાં પડી એક તકરાર

ઊભરાઓ ઠાલવવા ત્યાં તો તૂર્ત ભરી દરબાર

બધાં સૌ બેઠાં નર ને નાર -

૧. ન્હાનાલાલ - રસગીતો ગાનારો હું 'વસંત' પૂજણહાર,

સાડત્રીસ વરસથી ટે’લું કોને છે દરકાર?

આવિયો આત્મપ્રશંસાવાર.

ર. ખબરદાર - મોટાં કાવ્યો લખનારો ગુજરાતીનો રખવાળ;

મૂંગી સેવા કરું છતાંયે ટીકાતણો અંબાર,

કહો ક્યાં કદર દીસે ગુજરાત!

૩. નરસિંહરાવ - વર્ડ્ઝવર્થની શૈલીમાં મે કર્યો ‘નૂપુર ઝંકાર’

સરવાળામાં માન મળ્યું કે તરજુમ્મા કરનાર

જુલમનો કહો ક્યાંઈ છે પાર?

૪. લલિત - મંજીરા લઈ ઘર ઘર જઈ ગજવ્યો સારો ગુજરાત

‘લલિત લખે છે માત્ર ભજીનિયાં અર્થ વગરની વાત',

કહે છે એવું પણ કહેનાર.

પ. મેઘાણી - દેશભક્તિનાં મર્દ જંગનાં રણશિંગા ફૂંકનાર

છતાં કહે છે ‘પ્રચાર કાવ્યો, ઝાઝો છે ના સાર’

ચિતાઅંગાર સમો સંસાર.

૬. બળવંતરાય - અર્થભારથી ભર્યાં કાવ્યનો એક હું ઘડનાર,

લોક કહે છે કે ‘આ કવિથી તો માથાં છે ચડનાર

દવાની શોધ કોઈ કરનાર ?'

૭. કેશવ હ. શેઠ - ગુર્જર રમણીને રસકુંજે રાસભેટ ધરનાર

‘સાચ્ચી કવિતા નથી રાસડા' એમ વદે વદનાર

કોઈ છે પંથ બતાવણહાર?

૮. ચંદ્રશંકર સેવકની છે ખૂબ ફોઈઓ નામ પડે વણપાર

‘કઢીદાનજી' 'ચાંદાભાઈ' - ધીરજ કચાંથી ધરનાર?

-રોજ જ્યાં નામ નવું પડનાર!

સાખી

બધા “પીંપલ પાન ખરંતાં, હસતી કૂંપળિયાં

મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.”

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી પ્રતિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : રતિલાલ બોરીસાગર
  • પ્રકાશક : પરિચય ટ્રસ્ટ
  • વર્ષ : 2003