રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઓ! નળ આવ્યો રે : (મુંબઈના માળામાં મોટે મળસ્કે)
o! nal aavyo re! : (mumbaina malama mole malaske)
કોઈએ પાડી એકાએક હાક, ઓ! નળ આવ્યો રે.
ઊમટ્યાં માનવ નળની વાટ, ઓ! નળ આવ્યો રે.
સાસુ વહુને કહે શીદ સૂઈ, ઓ! નળ આવ્યો રે.
પેલી પાણી ભરે વાલામૂઈ, ઓ! નળ આવ્યો રે.
કોઈ કહે મોટી ત્રાંબાકુંડી લાવ, ઓ! નળ આવ્યો રે.
કોઈ કહે નાના બચુને નવરાવ, ઓ! નળ આવ્યો રે.
દાતણ કરતાં પાડે કો ખોંખાર, ઓ! નળ આવ્યો રે.
લળતી લાળો મોઢામાંથી બહાર, ઓ! નળ આવ્યો રે.
ફેંકે દાતણ ઉતારીને ઉલ્ય, ઓ! નળ આવ્યો રે.
લપસી પડતાં બાળક ખાતાંભૂલ, ઓ! નળ આવ્યો રે.
માંજે બેડાં ખણણ ખખડાટ, ઓ! નળ આવ્યો રે.
આંખો ચોળે બાળક ઊડે રાખ, ઓ! નળ આવ્યો રે.
બુઢ્ઢાં નળ નીચે બેસી ન્હાય, ઓ! નળ આવ્યો રે.
ડાચાં ઠંડીથી ખડખડ થાય, ઓ! નળ આવ્યો રે.
ધૂવે ધોતીકરે સિત્કાર, ઓ! નળ આવ્યો રે.
બોળ્યાં બાળોતિયાં બેસુમાર, ઓ! નળ આવ્યો રે.
ધૂએ કપડાં ધોકા ત્રમઝુટ, ઓ! નળ આવ્યો રે.
ભરતાં પાણી લૂટારાની લૂટ, ઓ! નળ આવ્યો રે.
અહીંતો બળિયાલોકોના બેભાગ, ઓ! નળ આવ્યો રે.
લાંબી જિવ્હાવાળાને એ લાગ, ઓ! નળ આવ્યો રે.
જો કોઈ ધીરૂં ધીરૂં રહી નહાય, ઓ! નળ આવ્યો રે.
જોવા જેવો તમાસો તો થાય, ઓ! નળ આવ્યો રે.
જ્યાં મેં અર્ધ પલાળ્યું અંગ, ઓ! નળ આવ્યો રે.
ત્યાં તો પાણી થયું છે બંધ, ઓ! નળ આવ્યો રે.
હસતાં લોકો કરે છે ટોળ, ઓ! નળ આવ્યો રે.
વીલે મોઢે ઊભો ટાઢોબોળ, ઓ! નળ આવ્યો રે.
જ્યારે બેસું છું ટેગ્રીસસને તીર, ઓ! નળ આવ્યો રે.
સંભારું છું નળનાં મોંઘાં નીર, ઓ! નળ આવ્યો રે.
(૨૬.૯.૩૧)
(પ્રેમાનંદ રચિત નળાખ્યાન, કડવું (૨૬)માં દમયંતિના સ્વયંવરમાં રાજા નળનું આગમન થતાં ચારે બાજુ ધમાલ મચી જાય છે તેનું વર્ણન છે, એ કડવા જેવી જ ભાષા-શૈલી-ઢાળ પ્રયોજીને કવિએ મુંબઈના રહેઠાણોમાં સવારે નળમાં પાણી આવતા કેવી દોડાદોડી થઈ જાય છે એનું વર્ણન આ પ્રતિકાવ્યમાં કર્યું છે.)
સ્રોત
- પુસ્તક : કટાક્ષકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 48)
- સર્જક : દેવકૃષ્ણ પીતાંબર જોષી
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1942