રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો“અરે ભોળા સ્વામી, ઘડીક ઘરની બ્હાર ગઈ ત્યાં
કરી મૂક્યું કેવું અવળસવળું, વાત શું કરું?
‘ભર્યું પાણી’કો’છો, ભર્યું, પણ ફૂટી બાલદી મહીં,
પલંગે છાપાંનો ઢગ પડ્યો, ન ઓછાડ સરખો-
જુઓ, વાડા કેરી અધખૂલી હતી બારી, જ્યહીંથી
પ્રવેશી બિલ્લીએ ચસચસ પીધું દૂધ, વળી આ
તમાકુચૂનાની અહીં તહીં પડીકીઓ રઝળે.
દીસે ગંજી ભીનું ખીંટી પર, નીચે પાણી ટપકે.
અને શું રાંધ્યું’તું? ઘર મહીં, નહીં બ્હાર જમતાં?
‘બનાવી ચા જાતે’? ઠીક, પણ પીવાલાયક બની?
જવાનું ઑફિસે, ક્યમ કરી શકું કામ ઘરમાં?’
કરે છે સ્ત્રી કાર્યો ઘર મહીં, વળી ઑફિસ મહીં,
બતાવો ના બ્હાનાં, નહીં કદી સળી ભાંગી શકતા,
નથી જાતી ઝાઝું પિયર, ક્યમ, આવ્યું સમજમાં?”
(રા. વિ. પાઠક ‘શેષ’ના ‘અરે ભોળા સ્વામી, પ્રથમથી જ’ કાવ્યનું પ્રતિકાવ્ય)
સ્રોત
- પુસ્તક : ઉદ્દેશ - ફેબ્રુઆરી, 2002 (પૃષ્ઠ ક્રમાંક 275)
- સંપાદક : રમણલાલ જોશી
- પ્રકાશક : ઉદ્દેશ ફાઉન્ડેશન