ek saksharne ewi tew - Parody | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક સાક્ષરને એવી ટેવ

ek saksharne ewi tew

દેવકૃષ્ણ પીતાંબર જોશી દેવકૃષ્ણ પીતાંબર જોશી
એક સાક્ષરને એવી ટેવ
દેવકૃષ્ણ પીતાંબર જોશી

[અખાના છપ્પાની પ્રતિરચના]

એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ;

અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર;

લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે.

જ્યહાં ત્યહાં કય્હાંનાં કૌતક કરે, નોંધ લઈ ડાયરીઓ ભરે.

કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે,

ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ,

સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે.

સુણે સભા કે દોડ્યો જાય, વણબોલાવ્યો ઊભો થાય.

લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે.

સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ.

પૂછે કોઈ કવિ સારો કોણ? વાતવાતમાં ઘાલે મોણ.

નાનાલાલ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે!

પ્રેમાનંદની કાઢે પોલ, દયારામ ભગતડા બોલ.

નરસિંહને લાઘવનો લોભ, ભોજામાં વિનયનો ક્ષોભ.

તુલસીદાસ? રજ નિજનું નથી, અખાની તો અવળી મતિ.

નર્મદનો તો વ્યસની તોર, દલપત તો ખુશામતખોર!

દુર્બળિયો કૌમુદીકાર, પાઠક ભટ્ટનો શો વિચાર!

મેઘાણી ચારણિયો ચોર, રાયચુરા તો દુહાખોર!

કવિનું બિરદ જાતે બકે, પોતે મોટો પોતા થકે.

સર અવસર સંમેલન ભરે, નિજની શ્લાઘા સૌમાં કરે!

તંત્રીની ખુશામત કરે, લેખ છપાતાં અધ્ધર ફરે.

બે પૈસા બાપાના રહ્યા, તે સઘળા પોસ્ટેજમાં ગયા!

બોલે બૈરી કપરા બોલ, આંકે કાણી કોડી મોલ.

સાક્ષરથી નિરક્ષર ભલા, ધંધો કરી ઢીબે રોટલા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી પ્રતિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : રતિલાલ બોરીસાગર
  • પ્રકાશક : પરિચય ટ્રસ્ટ
  • વર્ષ : 2003