waishnaw nathi thayo tun re! - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વૈષ્ણવ નથી થયો તું રે!

waishnaw nathi thayo tun re!

દયારામ દયારામ
વૈષ્ણવ નથી થયો તું રે!
દયારામ

વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે? વૈષ્ણવo

હરિજનને જોઈ હૈડું હરખે, દ્રવે હરિગુણ ગાતાં,

કામદામચટકી નથી છટકી, ક્રોધે લોચન રાતાં. વૈષ્ણવo

તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો,

તારા સંગનો રંગ લાગે ત્યાં લગી તું કાચો. વૈષ્ણવo

પરદુઃખ દેખી હૃદે દાઝે, પરનિંદા નથી ડરતો,

વ્હાલ નથી વિઠ્ઠલ શું સાચું, હઠે ‘હું, હું’ કરતો. વૈષ્ણવo

પરોપકારે પ્રીત તુજને સ્વારથ છૂટ્યો છે નહીં,

કહેણી તેવી રહેણી મળે, ‘ક્યહાં લખ્યું?’ એમ કહેની.વૈષ્ણવo

ભજનારૂઢ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,

જગત તણી આશા છે જ્યાં લગી જગતનો ગુરુ, તું દાસ.વૈષ્ણવo

મન તણો ગુરુ મન કરેશ તો સાચી વસ્તુ જડશે,

દયા! દુઃખ કે સુખ માન, પણ સાચું કહેવું પડશે. વૈષ્ણવo

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010