vraj vhaalun re! vaikunth nahi aavun - Pad | RekhtaGujarati

વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નહિ આવું

vraj vhaalun re! vaikunth nahi aavun

દયારામ દયારામ
વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નહિ આવું
દયારામ

વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નહિ આવું, મને ગમે ચતુર્ભુજ થાવું,

ત્યાં શ્રીનંદકુંવર ક્યાંથી લાવું? વ્રજ વ્હાલું રે!૦

જોઈએ લલિતત્રિભંગી મારે ગિરિધારી, સંગે જોઈએ શ્રીરાધે પ્યારી,

તે વિના નવ આંખ ઠરે મારી. વ્રજ વ્હાલું રે!૦

ત્યાં શ્રીજમુના ગિરિવર છે નાહિ, મને આસક્તિ છે ઘણી બેની,

તે વિના મારો પ્રાણ પ્રસન્ન રહે નહિ. વ્રજ વ્હાલું રે!૦

ત્યાં શ્રીવૃંદાવનરાસ નથી, વ્રજવનિતા સંગ વિલાસ નથી,

વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નથી. વ્રજ વ્હાલું રે!૦

જ્યાં વૃક્ષે વૃક્ષે વેણુ ના ધારી, પત્રે પત્રે છે હરિ ભુજચારી.

એક વ્રજરજ ચોમુક્તિ વારી. વ્રજ વ્હાલું રે!૦

જ્યાં વસવાને શિવ સખીરૂપ થયા, હજુ અજ વ્રજરજને તરસતા રહ્યા,

ઉદ્ધવ સરખા તે તૃણ કૃષ્ણ થયા. વ્રજ વ્હાલું રે!૦

સુખ સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું, મને ગમે બ્રહ્મસદન અડવું,

ધિક સુખ! જેને પામી પાછું પડવું! વ્રજ વ્હાલું રે!૦

શું કરું શ્રીજી! હું સાયુજ્ય પામી? એકતામાં તમો ના રહો સ્વામી!

મારે દાસપણમાં રહે શી ખામી? વ્રજ વ્હાલું રે!૦

વ્રજજન વૈકુંઠસુખ જોઈ વળ્યાં! ના ગમ્યું ત્યારે બ્રાહ્માનંદમાં ભળ્યાં,

ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશે ગળ્યાં. વ્રજ વ્હાલું રે!૦

ગુરુબળે ગોકુળવાસી થાશું, શ્રીવલ્લભશરણે નિત્ય જાશું,

દયાપ્રીતમ સેવી રસજશ ગાશું. વ્રજ વ્હાલું રે!૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995