vipra chaalyo valii, krushna sathe malii - Pad | RekhtaGujarati

વિપ્ર ચાલ્યો વળી, કૃષ્ણ સાથે મળી

vipra chaalyo valii, krushna sathe malii

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
વિપ્ર ચાલ્યો વળી, કૃષ્ણ સાથે મળી
નરસિંહ મહેતા

(ક્ષેપક પદ)

વિપ્ર ચાલ્યો વળી, કૃષ્ણ સાથે મળી, ચિત્તમાં શોચી વિચાર કરતો;

આપ્યું તો કાંઈ નહિ, ત્રીઠ જાણી નહિ, તે તણો શોચ મન માંહે ધરતો. વિ૦

અષ્ટ મહાસિદ્ધિ ઘણી, રુદ્ધિ નવનિધિ તણી સંપત્તિમાં રહ્યો ભોગ માણી;

કામિની-વચને કરી આંહીં હું આવિયો, અમ તણી પીડ તે નવ જાણી. વિ૦

બાળગોપાળ જે વાટ જોતાં હશે, તેને અમો જઈ શું રે કહેશું?

મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું? વિ૦

એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મન માંહે ધારી;

નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી. વિ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994