વીનતી વળી કરું, ભેટ લાવી ધરું
viinatii valii karun, bhet laavii dharu
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
'વીનતી વળી કરું, ભેટ લાવી ધરું, પોતિયે તાંદુલ-ગાંઠ બાંધો;
જાણશે થોડે ઘણું, ભાવ-ભોજન તણું, ધન્ય શ્રીકૃષ્ણ-શું સ્નેહ સાધો. વી૦
ભીલડીનાં બોર તે ભાવે આરોગિયાં, જૂઠડું અન્ન આહીરનું લીધું;
ભક્ત વિદુરની ભાજી ભાવે જમ્યા, ભૂપનું નોતરું પાછું કીધું. વી૦
પેરે પેરે પાંડવનાં કષ્ટ નિવારિયાં, ભક્ત-કારણ કંઈ દુષ્ટ માર્યા;
ઊંચ ને નીચનું એને છે પા૨ખું, પતિત અધર્મી કંઈ કોટિ તાર્યા. વી૦
ભક્તિવશ વિઠ્ઠલો સંત સાથે ભલો, સમો વર્તે, નવ ચૂકે ટાણે;
સંત સમરે તિહાં આવી ઊભો રહે, ભક્તના મન તણો ભાવ જાણે. વી૦
જાઓ વેગે ક૨ી, જુઓ મુક્તિપુરી’, ‘ધન્ય ધન્ય તારુણી! સંદેહ ટાળ્યો;
નરસૈંના નાથને નિરખું નિશ્ચે ક૨ી,' કામિનીએ કંથને બાંહે ઝાલ્યો. વી૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 64)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
