varshasharad varnan - Pad | RekhtaGujarati

વર્ષાશરદ વર્ણન

varshasharad varnan

પ્રેમાનંદ પ્રેમાનંદ
વર્ષાશરદ વર્ણન
પ્રેમાનંદ

ગોવિંદચરિત્ર કહે ગર્ભજોગી, સાંભળીએ ભૂપાળ જી;

અદ્ભુત લીલા વૃંદાવનની, વરણવું વર્ષાકાળ જી.

શ્રીગોકુળમાં ગાજી ગાજી, વરસે છે વરસાદ જી;

તેવામાં ગૌધેન ચરાવે, રામકૃષ્ણ બે ભ્રાત જી.

ગાજે ઘન વીજળી બહુ ચમકે, થાય અંધારું ઘોર જી;

હંસ ચાતક બોલે બપૈયા, નાચે કળા કરી મોર જી.

અમૃતસ્વરે કોકિલા બોલે, ભ્રમર કરે ગુંજાર જી;

અભ્રઘટાને દેખી નાસે, વચ્છ કરે હીંસાર જી.

આદિત ઉડુગણ ઇંદુ આચ્છાદ્યા, વાદળી ગઈ સર્વ વ્યાપી જી;

અનંત જંતુ ઉદયા અવનીમાં, સૃષ્ટિ વિધિએ થાપી જી.

કીટ પતંગ પ્રાણી પંચવરણાં, મંડૂક કરે મુખ શોર જી;

લીલાં તૃણ થયાં અવનીમાં, ઉદ્યા દ્રુમ અંકોર જી.

નવીન પત્ર કુસુમ નાનાવિધ, નદીએ આવ્યાં પૂર જી;

નદીતટ ઊભા ગોવાળા તે, વાય વેણુ મધુર જી.

કાદવે મારગ પુરાણા, વેપારીએ મૂક્યા વેપાર જી;

આશ્રમ કીધા સંન્યાસીએ, એક સ્થળ રહેવું માસ ચાર જી.

નાના વ્રત કરે સૌ નારી, તાપસ બેઠા માળે જી;

શ્રવણ કીર્તન પૂજન પ્રતિમા, વર્ણાશ્રમધર્મ પાળે જી.

દુગણાં દૂધ કરે છે સુરભિ, ચરે લીલાં તૃણ જી;

કરે જેષ્ટિકા વાળે લંગોટી, વન જાય અશરણ શરણ જી.

ઝડી કરી વરસે મેવલિયો, નયણે સૂરજ સૂઝે જી;

વૃક્ષ તળે ઊભા અવિનાશી, ટાઢે થરથર ધ્રૂજે જી.

ઉપર જળ તળે જળ વહે છે, નથી બેસવાનો ઠામ જી;

પલાશપત્રના ટોપ કરી ધરે, મસ્તક કેશવ રામ જી.

સાંજ સમે આવે શ્રીગોકુળ, પૂરભર્યાં વહે નાળાં જી;

કોતરે તૂમડાં કટિએ બાંધી, ગોપુચ્છ વળગે ગોવાળા જી.

શામળિયાને સામા આવે, તારા લેઈ નંદરાય જી;

સંસારતારણ બીએ નદીમાં, જોઈને મૂકે પાય જી.

કોટિક કૌતક કરે કમળાવર, શુણ પરીક્ષિત રાજંન જી;

તો વર્ષાકાળની કહી લીલા, કરું શીતકાળ વરણંન જી.

વર્ણવું શોભા શરદકાળની, આવ્યો આશ્વિન માસ જી;

તિમિર નિવર્ત્યું અભ્રઘટાનું, થયું નિર્મળ આકાશ જી.

પ્રગટ ઉડુગણ ઇંદુ ભાસે, મહાજ્યોતિ કરે માર્તંડ જી;

રવિકિરણે પંક સૂકવ્યા, નિર્મળ કીધાં નવખંડ જી.

નિર્મળ જળ થયાં સર્વ સરિતનાં, પોયણ પંકજ ઊઘડિયાં જી;

ઉત્પત્તિ થઈ મુક્તાફળની, સ્વાતિબિંદુ બહુ પડિયાં જી.

પર્ણકુટિ તજી ઊઠીને ચાલ્યા, તીર્થ કરવા સંન્યાસી જી;

આગિયા ઊઘડ્યા કાદવ સૂક્યા, ઘર લીંપે પુરવાસી જી.

નૌકા મૂકી સમુદ્ર માંહે, વેપાર કરે વેપારી જી;

વિવાહકર્મ કરે વર્ણ ચારે, ગીત ગાય શુભ નારી જી.

જગ્ન હોમ થાય વેદાધ્યયન, દાન આપે દાતાર જી;

ભક્ત મુકાએ માયાથી જેમ, અભ્રથી મુકાયો સૂર જી.

વૈષ્ણવે મહોચ્છવ કીધો, શૃંગાર્યાં દેવસ્થળ જી;

નવાં અન્ન આવ્યાં નાનાવિધ, નવાં કુસુમ ને ફળ જી.

વેપારીએ ગ્રામાંતર કીધાં, પરવરિયા પરદેશ જી,

શીતકાળ તણું છે વર્ણન, લીલા શ્રીહૃષીકેશ જી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ