વારી જાઉં રંગ બજાણિયા
vari jau rang bajaniya
અખો
Akho
અખો
Akho
વારી જાઉં રંગ બજાણિયા, તેં તો ભલો ભજાવ્યો ભેખ;
સ્થાવર જંગમ જોતાં જૂજવો, અંતર વસ્તુ એકની એક. વારી...
પ્રથમ પડદો માયાનો રચ્યો, માંહે પ્રગટાવ્યા પંચે ભૂત;
આડે આવરણ છાયો અંગમાં, લાવ્યો લખચોરાશી રૂપ. વારી...
ગગન ઘર રચ્યું વણ થંભનું, માંઠે ચીતર્યા ચૌદ માળ;
વિશ્વરૂપે વસ્યો વિઠ્ઠલા, તેની ભણ્યા ભૂલી ગયા ભાળ. વારી...
ચાર જુગની રૂડી રજની, ધર્યા દીપક બે શશી સૂર્ય;
ખટ દર્શને ખેલ મચાવિયો જોતાં જુગતું ભરપૂર. વારી...
બ્રહ્માને મોટા ઠરાવિયા, શ્રુતિ સ્મૃતિ પૂરે શાખ;
બાળને બીક (જ્યમ) બાઉની, તેમ જીવ પડ્યા વાક્ય-જાળ. વારી...
સાત સાગર ભર્યા નીરના, રેંટચક્ર ફરે વાયુવેગ;
નવસેં નવ્વાણું નદીની નીકમાં, ઉપર સીંચતો માળી મેઘ. વારી...
રંગઢંગ તારા શું કહું, નહિ નંદવા ઠાલું ઠામ;
એવું લહી અખો લવતો રહ્યો, જોતાં સઘળે સરખો રામ. વારી...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
