Valaji Tu Mokalne Varsad Re, Shamlia - Pad | RekhtaGujarati

વાલાજી તું મોકલને વરસાદ રે, શામળિયા

Valaji Tu Mokalne Varsad Re, Shamlia

પ્રીતમ પ્રીતમ
વાલાજી તું મોકલને વરસાદ રે, શામળિયા
પ્રીતમ

વાલાજી તું મોકલને વરસાદ રે, શામળિયા

સાધુ સંત શાનો કરશે પરસાદ રે, શામળિયા

અંનજલ ખૂટ્યાં ટૂટ્યાં સગપણ સહુનાં રે, શામળિયા

નથી ખમાતાં દુઃખડાં ગરીબ ગઉનાં રે, શામળિયા

પશુ પીડાય મળે પાણી તરણ રે, શામળિયા

બિરદ તારું કહાવે અશરણશરણ રે, શામળિયા

સામ્રથ નહિ ત્યારે સ્રષ્ટિ કરી શું કરવા રે, શામળિયા

પરજાને તો જોયે નિત્ય પેટ ભરવા રે, શામળિયા

પરજા પીડાય તેહનું પતિને પાપ રે, શામળિયા

અંતરજામી વિચારી જુઓ આપ રે, શામળિયા

અંન વિના તે ક્યમ કરી દિન કાઢે રે, શામળિયા

અબળાનું બળ એટલું આંસુ પાડે રે, શામળિયા

જોરે કરીને જીવે ક્યમ જિવાય રે, શામળિયા

નજર કરો તો નવખંડ લીલા થાય રે, શામળિયા

દુનિયામાં પીડાય તાહરા દાસ રે, શામળિયા

માનવીએ તો મૂક્યો છે વિશવાસ રે, શામળિયા

પ્રીતમના સ્વામી છો પરદુઃખ જાણ રે, શામળિયા

ઘણી થઈ છે મૂકો મનની તાણ રે, શામળિયા

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ