kagal sadaguru lakhe, jena wirla chhe wanchanhar - Pad | RekhtaGujarati

કાગળ સદગુરુ લખે, જેના વિરલા છે વાંચણહાર.

kagal sadaguru lakhe, jena wirla chhe wanchanhar

અખો અખો
કાગળ સદગુરુ લખે, જેના વિરલા છે વાંચણહાર.
અખો

કાગળ સદગુરુ લખે, જેના વિરલા છે વાંચણહાર.

જ્ઞાનવૈરાગ્યનો દેહ ધર્યો, માંહી જોગપણાનો જીવ;

ભક્તિ આભૂષણ પહેર્યા રે, એવો કોઈએક સેવક શિવ.

શીલરૂપી ખડિયો કર્યો, માંહી પ્રેમ તણી રુશનાઈ;

કલમ બુદ્ધિ સંતની રે, ત્યાં તો અદ્વૈત આંક ભરાઈ.

સૂરતનૂરતની દોરી લીટી, માંહી વિવેક તણી ઓળ;

વિચારી અક્ષર લખ્યા રે, તેમાં ઉતારી પાટણપોળ.

સમજણ કાનો માતરા રે, માયા ઉપર શૂન્ય;

તેમાં પરિપૂરણ બ્રહ્મ છે રે, ત્યાંહાં નહિ પાપ ને પુન્ય.

કોટિ કોટિ પંડિત પચી મૂઆ રે, પઢી પઢી વેદ પુરાણ;

તોયે અક્ષર એકે ઉકલ્યો રે, સરવે થાક્યા છે જાણસુજાણ.

અંધે તે અક્ષર વાંચિયા રે, બહેરે સુણી વાત;

મૂગે ચરચા બહુ કરી રે, તેની વેદ પૂરે છે સાખ.

જોગપણું જુગતે લહ્યું રે, મન મળી મંગળ ગાય;

વિચારી અક્ષર સૌ લખે રે, તોયે કાગળ કોરો કહેવાય.

અમરાપુરી નિજ ઘટમાં રે, ત્યાંહાં છે તેહનો વાસ;

કર જોડીને અખો કહે રે, એવા નિર્મળ હરિના દાસ.

સ્રોત

  • પુસ્તક : અખાની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : કીર્તિદા શાહ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009