વૈરાગનાં વછોયાં રે
vairagna vachhoyaa re
લખમાજી માળી
Lakhamaji Mali

વૈરાગનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ મળે રે.
સાધનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ મળે રે.
વેલ્વેથી વછૂટ્યું રે, સખી! એક પાંદડું રે,
ઈ રે પાંદડું ભવે રે ભેળું નહિ થાય. - વૈરાગનાં૦
બેલીડાની સંગે રે, બજારુંમાં મા'લતા રે,
એ જી બેલીડા થિયા છે બેદિલ હવે આજ. – વૈરાગનાં૦
હૈયામાં હોળી રે ખાંતીલો ખડકી ગિયો રે,
એવી હોળી પ્રગટી છે આ પંડમાંય,
ઝાંપે ઝાળું લાગી રે સખી! એને દેખતાં રે,
ઈ રે અગનિ કેમ રે કરી ઓલાય. - વૈરાગનાં૦
મેરામણ માયાળુ રે, બચળાં મેલ્યાં બેટમાં રે,
ઈ રે પંખીડાં ઊડી રે હાલ્યાં પરદેશ,
આઠ નવ માસે રે, આવી બચ્ચાં ઓળખ્યાં,
સૌએ સૌની આવીને લીધી સંભાળ. - વૈરાગનાં
પાટાનો બાંધનારો રે, ઈ શું જાણે પીડને રે,
એવી પીડા પ્રગટી છે આ અંગ માંય,
લખમો માળી કે' છે રે આપવીતી વીનવું રે,
દેજો અમને સાધુને ચરણે વાસ. - વૈરાગનાં૦



સ્રોત
- પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 46)
- સંપાદક : ઝવેરચંદ મેઘાણી
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ
- વર્ષ : 2017
- આવૃત્તિ : પુનર્મુદ્રણ