વારું મારા વીરા રે
vaarun maaraa viiraa re
મીરાંબાઈ
Meerabai

વારું મારા વીરા રે, સંગ ન કરીએ નીચનો રે જી!
નીચપણું નિશ્ચે નરકે લઈ જાય.
આકડિયાનાં દૂધ રે, અતિ ઘણાં ઊજળાં રે જી,
તેને પીધે તાતા મૃત્યુ ચહાય .. વારું૦
ગવરી ગાયનાં દૂધ રે, અતિ ઘણાં મીઠડાં રે જી,
સાકર ભળે સ્વાદ અદકેરો થાય... વારું૦
બાવળ ને કાંટાળો રે, દીસે અળખામણો રે જી,
છાંયે બેસે અંગ ને વસ્ત્ર ઉઝરડાય... વારું૦
આંબલિયાની છાયા રે, દીસે રળિયામણી રે જી,
તેને સેવે ફળની પ્રાપ્તિ થાય... વારું૦
ગુરુને પ્રતાપે રે, ‘મીરાં’ બોલિયાં રે જી,
રાખો અમને સંતનાં ચરણની માંહ્ય... વારું૦



સ્રોત
- પુસ્તક : અસલ મોટી સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : સુકુમાર શાહ
- પ્રકાશક : વિશાલ બુક એજન્સી