ઊંચ-નીચનો ભેદ કાઢો
uunch-niichno bhed kaadho
પંખીબાઈ
Pankhibai

ઊંચ-નીચનો ભેદ કાઢો
તો નૂરીજન નજરે આવે રે,
અઢાર વરણ એક જ પ્યાલે
અમીરસ મોજું માણો રે.
અંતર વિના અવિનાશી રીઝે નહીં, પ્રગટ પ્યાલે ભાળો રે,
ચૌદ બ્રહ્માંડથી ન્યારો ખેલે, પ્રેમે વ્હાલો બિરાજે રે.
ઊંચ-નીચનો ભેદ કાઢો...
મીઠા અમીરસ દૂર કરી, આઠ પહોર આનંદમાં મ્હાલે રે,
પ્રેમ તણી લગની લાગી, અણુ-અણુમાં જ્યોત જાગે રે.
ઊંચ-નીચનો ભેદ કાઢો...
ઉત્તમ-મધ્યમ એક છે, શીદને કરો છો તાણાવાણી રે,
રજો સતો તમોને જાણો, માયલા કાળિંગાને મારો રે.
ઊંચ-નીચનો ભેદ કાઢો...
દુઃખ સુખ આવે ને જાવે, ગુરુ ગોવિંદના ગુણ ગાવે રે,
ગુરુના ચરણે 'પંખી' ગાવે, દુઃખમાં કોઈ હરિ અજમાવે રે.
ઊંચ-નીચના ભેદ કાઢો...



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : જૂન, ૨૦૨૩ (પૃષ્ઠ ક્રમાંક 21)