uddhavjii! maadhavne kahejo aetlun - Pad | RekhtaGujarati

ઉદ્ધવજી! માધવને કહેજો એટલું

uddhavjii! maadhavne kahejo aetlun

દયારામ દયારામ
ઉદ્ધવજી! માધવને કહેજો એટલું
દયારામ

ઉદ્ધવજી! માધવને કહેજો એટલું;

શા માટે તમો પાડો છો વિજોગ જો?

નિદ્રા રે દિવસ એકે નથી આવતી,

ગોપીજનને પ્રગટ્યો છે કાંઈ રોગ જો. ઉદ્ધવજી૦

જમુનાને તીરે રે ન્હાવા અમે ગયાં,

ઓચિંતા ત્યાં આવ્યા શ્યામશરીર જો,

વસ્ત્ર વેગળાં મૂકી અમો ન્હાતાં હુતાં,

છાનાંમાનાં ચોરી લીધાં ચીર જો. ઉદ્ધવજી૦

વલવલવા લાગી રે સૌ ગોપાંગના

કદમખંડીમાં સંતાયા શ્રીનાથ જો.

શામળિયો શોધ્યો રે અમને જડ્યો નહીં.

રુદન કરી જોડાવ્યા એણે હાથ જો. ઉદ્ધવજી૦

કહીએ, નાનપણાના દિવસ ભૂલી ગયા,

તરછોડો છો શાને શ્રીજદુરાય! જો?

અમો અબળા આશાએ વળગી રહ્યાં,

જોર અમારું જોબનિયાનું જાય જો. ઉદ્ધવજી૦

મારા સમ મોહનને તમો જઈને કહો,

એક વાર તો આવો ગોકુળગામ જો.

કામાગ્નિ લાગ્યો આવીને હોલવી

વહેલા વળજો દયાપ્રીતમના શ્યામ જો. ઉદ્ધવજી૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995