ubha raho to kahun - Pad | RekhtaGujarati

ઊભા રહો તો કહું -

ubha raho to kahun

દયારામ દયારામ
ઊભા રહો તો કહું -
દયારામ

ઊભા રહો તો કહું વાતડી, બિહારીલાલ!

તમ માટે ગાળી છે મેં જાતડી, બિહારીલાલ!

જે દહાડે મળ્યા'તા વૃંદાવનમાં, બિહારીલાલ!

તે દહાડાની તાલાવેલી તનમાં, બિહારીલાલ!

વેદના વિરહની તે ક્યાં ભાખિયે, બિહારીલાલ!

ભીતરનો ભડકો તે ક્યાં ભાખિયે, બિહારીલાલ!

ફટકારી સરખી હું ફરું વનમાં, બિહારીલાલ!

કળ ના પડે રજનીદનમાં, બિહારીલાલ!

ઘેલી ઠરું છું સૌ ગામમાં, બિહારીલાલ!

ચિત્ત ચોંટતું નથી ઘરકામમાં, બિહારીલાલ!

કેમ કહેવાય જેવું દુઃખ મનમાં, બિહારીલાલ!

તાલાવેલી લાગી મારા તનમાં, બિહારીલાલ!

ક્ષણેક્ષણે ભણકારા પડે કાનમાં, બિહારીલાલ!

પ્રાણ પ્રોવાયો તમારા તનમાં, બિહારીલાલ!

વિકળતાની વાત કહે ના બણે, બિહારીલાલ!

ઘરમાં જાઉં ને આવું આંગણે, બિહારીલાલ!

આતુરતા એવી તે ક્યાં લગી સહું, બિહારીલાલ!

છો ચતુરશિરોમણિ તો શું કહું, બિહારીલાલ!

પ્રીતડી કીધી તો હવે પાળીએ, બિહારીલાલ!

આતુર શરણ આવ્યાને ટાળીએ, બિહારીલાલ!

તમારે હું સરખી હજારો હશેં, બિહારીલાલ!

મારા તો પ્રાણ તમ વિના જશે, બિહારીલાલ!

બોલ્યું પણ બીજાનું ગમે નહીં, બિહારીલાલ!

લાલચ લાગ્યાં નયણાં તો જઈએ કહીં, બિહારીલાલ!

નખશિખ લગી છો સુરૂપ, ગુણભર્યા, બિહારીલાલ!

આવડા રૂપાળા તે કોણે કર્યાં, બિહારીલાલ!

હસો છો મધુર વાંકું જોઈને, બિહારીલાલ!

કટાક્ષકટારીએ નાખ્યાં પ્રોઈને, બિહારીલાલ!

વાંસળી વધારે છે તેમાં વ્રેહે, બિહારીલાલ!

અબળાનો જોતાં વિવેક કેમ રેહે, બિહારીલાલ!

દર્દી હોય તે જાણે ગર્દમાં, બિહારીલાલ!

અવર દુઃખ એની આગળ દર્દમાં, બિહારીલાલ!

કહેનારા કહેશે પણ છો તમે ધણી, બિહારીલાલ!

દયાના પ્રીતમ! હું દાસી તમ તણી, બિહારીલાલ!

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010