tutyo maro tamburano tar - Pad | RekhtaGujarati

તૂટ્યો મારો તંબુરાનો તાર

tutyo maro tamburano tar

કેશવરામ હરિરામ ભટ્ટ કેશવરામ હરિરામ ભટ્ટ
તૂટ્યો મારો તંબુરાનો તાર
કેશવરામ હરિરામ ભટ્ટ

તૂટ્યો મારો તંબુરાનો તાર,

ભજન અધુરૂં રે, રહ્યું ભગવાનનું— તૂટ્યોo

એક તૂટતાં બીજા રે તાર અસાર છે,

જીવાળીમાં નહિં હવે જીવજી;

પારા પડ્યા પોચારે, નખલીયું નામનું—તૂટ્યોo

તરડ પડી છે રે બાત્તલ તુંબડે,

લાગે નહિં ફૂટી જતાં વાર;

ખૂટીનું ખેંચાવું રે, કાંઈ કામનું— તૂટ્યોo

રંગ ચડેલો કાચો રે, કહો તે કેમ રહે?

ઘોડી ઘણી પોચી પડી જાય;

ખેલ બગડતાં પાસો રે, ભાન તાનનું —તૂટ્યોo

સ્વર મેળવીએ શેમાં રે, તાલ બેતાલ છે,

ઢોલકમાં પણ કાંઈ ઢંગ;

બંધ થયું છે બારૂં રે, હરિ રસ પાનનું— તૂટ્યોo

ખરચી હવે ખૂટી રે, બૂટી હવે બીજી નથી,

હર હવે ઝાલા તમે હાથ;

કહું છું કામ મારે રે, ધન જન ધામનું—તૂટ્યોo

કેશવ હરિની કરણી રે કોઈ જાણી શકે,

વાણી મન પાછાં વળી જાય;

બળ ચાલે નહીં એમાં રે, મહા બળવાનનું—તૂટ્યોo

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2