tun to aape aatamraam - Pad | RekhtaGujarati

તું તો આપે આતમરામ

tun to aape aatamraam

મૂળદાસ મૂળદાસ
તું તો આપે આતમરામ
મૂળદાસ

તું તો આપે આતમરામ, હીંડે ખબર વિના ખોળતો રે,

મૃગ મોહ્યો માયાની જાળ, હીંડે ઝાંઝવાનું જળ ડોળતો રે... તું૦

તારી તેણે ભાંગી તરસ, એવી અવિદ્યારૂપી રાત છે રે,

તેમાં જાગશે કોઈક જન, એવી ભુલવણીની ભાત રે... તું૦

તારે મેહરૂપી પલંગ, ઉપર પાખંડ રૂપી પોઢવા રે,

તારે અગનાન સ્ત્રીનો સંગ, ઉપર લોભ-પછેડો ઓઢવા રે... તું૦

દીધાં કબુદ્ધિનાં રે કમાડ, આડી ભોગળ ભીડી ભ્રમની રે,

તુંને વહાલી વિષયની વાત, તેણે શંકા છૂટે શ્રમની રે... તું૦

તારે વેદ સાથે છે ખેદ, હાંસી કરે છે હરિજનની રે,

જ્યારે જાશો જમને દ્વાર, મોટપ કામ નહિ આવે મનની રે... તું૦

જ્યારે તપે ત્રિવિધના તાપ, તારું મન ઘેરાણું માનમાં રે,

કંઈ કુંટુબ ને પરિવાર, તુંને ગળવા નહીં દ્યે જ્ઞાનમાં રે...તું૦

જુવો આદિ અંત્યે એક, જોતાં રૂપ જડે જીવતું રે,

'મૂળદાસ' કહે કહ્યું માન્ય, ચિત્તમાં સ્મરણ કર એક શિવનું રે... તું૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1989