ટેક ન મેલે રે, તે મરદ ખરા જગ માંહી
Tek Na Mele Re, Te Marad Khara Jag Manhi
બ્રહ્માનંદ
Brahmanand

(શીખ સાસુજી દે છે રે – એ ઢાળ)
ટેક ન મેલે રે, તે મરદ ખરા જગ માંહી
ત્રિવિધ તાપ રે, કદી અંતર ડોલે નાહીં.
નિધડક વરતે રે, દૃઢ ધીરજ મનમાં ધારી
કાળ કર્મની રે, શંકા દેવે વિસારી.
મોડું વહેલું રે, નિશ્ચે કરી એક દિન મરવું
જગ સુખ સારુ રે, કદી કાયર મન નવ કરવું.
અંતર પાડી રે, સમજીને સવળી આંટી
માથું જાતાં રે, મેલે નહિ તે નર માટી.
કોઈની શંકા રે,મનમાં નવ ધારે
બ્રહ્માનંદના રે, વહાલાને પળ ન વિસારે.



સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 93)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ