તેહ તું, તેહ તું, જેહને જોતો ફરે
teh tun, teh tun, jehno joto phare
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
(રાગ કેદારો)
તેહ તું, તેહ તું, જેહને જોતો ફરે, આતમ-અનુભવે જો વિચારી;
આતમ-દૃષ્ટે તું આપ સંભાળી જો, શું ભમે? સ્વયમેવ જોને ધારી. તે૦
તાહરા ખેલમાં તું જ ભૂલો પડ્યો, અણછતો જીવપણે જઈને વળગ્યો;
જેનો તું થઈ ફરે તે તારું રૂપ છે, દુગ્ધા ટાળીને ખોળ અળગો. તે૦
અદબદ ખેલ છે, તું તેમનો તેમ છે, આવે ન જાયે, ઘટે ન વાધે;
વસ્તુરૂપ થઈને આ તું જ વિલસી રહ્યો અખિલ બ્રહ્માંડ ને વિશ્વ બાધે. તે૦
આપ-અજ્ઞાનની ઓટમાં આવીને આપ-અભ્યાસ-શું આપે લોભ્યો;
નરસૈંપણું લેઈને તું રમિયો અનુભવે, તાહરા ખેલમાં તું જ શોભ્યો. તે૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 102)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
