jagine joun to - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાગીને જોઉં તો

jagine joun to

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
જાગીને જોઉં તો
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જા૦

પંચમહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુમાંહી રહ્યા રે વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી. જા૦

વેદ તો અમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દેઃ કનકકુંડળવિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. જા૦

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;

ભણે નરસૈંયો ’એ તે તું,’ ‘એ તે તું,’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા. જા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997