કેશવલાલ હરિરામ ભટ્ટ
Keshavlal Hariram Bhatt
(ધીરાના પદનો ઢાળ)
શામળીઆ શઢ ત્રુટી રે, હોડી હવે હાલે નહિ;
આ ભવસાગર કેરા રે, ઝપાટા ઝાલે નહિ. શામળીઆ...
ભવસાગરના ભર દરિઆમાં, હાલક લોલક થાય,
નીરમ ન મળે નાથ વધારે, પવને પાછી જાય;
ડામણ ક્યાંથી દઈએ રે, કુવા થંભ ક્યાં છે અહીં? શામળીઆ...
ભાર ભર્યો છે નાથ વધારે, પાણી પેસે માંહ્ય,
હાય હલેસાં કામ ન લાગે, અન્ય ઉપાય ન કાંય;
હોકાની હુશિયારી રે, હરિ હરિ જાતી રહી! શામળીઆ...
નાવિક મૂર્ખ નમાલો માધવ, અધિક કરાવે કાશ
સહાયકારક સખા હતો તે, પણ પામ્યો છે નાશ;
મારી કર્મકહાણી રે, હરિ નહિ જાય કહી. શામળીઆ...
આ ઘનઘોર ઘટા ચડી આવી, તેમાં છે તોફાન
ઉપર આભ તળે છે પાણી, ભૂલ્યો ભૂધર ભાન;
દામોદર ડુબું છું રે, સંકટ સર્વ સહી. શામળીઆ...
વીજળીઓના થાય કડાકા, અતિ અંધારી રાત,
સુકાન કામ કરે નહિ કાંઈ, હરિ હવે ઝાલો હાથ;
વાર કર્યે શું વળશે રે, અધવચ આમ અહીં. શામળીઆ...
શરણાગત-પાલક છો ત્યારે, ચિંતા શાને હોય?
જગજીવન જાણું છું સઘળું, ધિરજ ન રહે તોય;
કેશવ ક્યાં સંતાણા રે, અવસર જાય વહી. શામળીઆ...
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 126)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
