duniiyaa diivaanii kahevaashe re - Pad | RekhtaGujarati

દુનિયા દીવાની કહેવાશે રે

duniiyaa diivaanii kahevaashe re

ભોજો ભગત ભોજો ભગત
દુનિયા દીવાની કહેવાશે રે
ભોજો ભગત

દુનિયા દીવાની કહેવાશે રે, ભૂંડી ભીંતોમાં ભટકાશે. ટેક

પાપ જ્યારે એનું પ્રગટ થાશે, ત્યારે ભૂવા જતિ ઘેર જાશે,

ધૂણી ધૂણીને એની ડોક દુઃખશે, ને લેનારો લઈ ખાશે રે.

સ્વર્ગમાં નથી સૂપડું ને નથી ખાંડણિયો ને ઘંટી,

દૂધ ચોખાના જમનારા તમે કેમ કરી જમશો બંટી રે.

ઢોંગ કરીને ધૂતવા આવે ત્યારે હાથ બતાવવા સહુ જાશે,

ક્યારે આના કર્મનું પાનું ફરશે, અને ક્યારે પુત્ર થાશે રે.

કીમિયાગર કોઈ આવી મળે ત્યારે ધનને વાસ્તે ધાશે,

ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતા, ગાંઠની મૂડી ગમાશે રે.

સ્રોત

  • પુસ્તક : ભોજા ભગતની વાણી (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : મનસુખલાલ સાવલિયા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2001
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ