sukhpal manhe mahetoji betha chaDi - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુખપાલ માંહે મહેતોજી બેઠા ચડી

sukhpal manhe mahetoji betha chaDi

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સુખપાલ માંહે મહેતોજી બેઠા ચડી
નરસિંહ મહેતા

(નરસિંહ -પુત્રવિવાહ પદ)

સુખપાલ માંહે મહેતોજી બેઠા ચડી, શણગારી વરજીને અગ્ર કીધા,

જાન જોડી સહુ નીસર્યું દ્વારથી, દુંદુભિના નિર્ઘોષ દીધા. સુ૦

પ્રથમ સમાગમે સુભગ શુકન હવા, દાસના સુત તણી જાણ જાયે;

ખાન ને પાન, પકવાન-મોદક ઘણા, ખટરસ ભોજન પંથે થાયે. સુ૦

બાર દિવસ થયા જાનને ચાલતાં, આવી પહોંચ્યા વડનગર પાસે;

મદન મહેતાને વધામણિયે કહ્યું : ‘જાન આવી એક રાત વાસે.' સુ૦

તવ હસી બોલિયા મદન મહેતો તિહાં: ‘જાનની જુગત તે કેવી ભાસે ?

જેવી નિહાળી તેવી વારતા સત કહો; ઠાઠ કેવો રચ્યો વિષ્ણુ-દાસે ?' સુ૦

‘નવ વદું અણારથ, કહું છું જથારથ, રાજપુત્રી તણું ભાગ્ય મોટું;

તમ થકી વૈભવ અધિક દીઠો અમો, પૂરવનું પુણ્ય તે આવી ચોટયું. સુ૦

મલપતા કુંજર અગ્ર ચાલે તિહાં, નવરંગ હોદ્દે નિશાન ફરકે;

સહસ્ર સુખપાલ તે રત્નહીરે જડી, રથ રવિકાંતિમાં મધ્ય ઝળકે. સુ૦

ત્રણસેં ત્રીસ રૈવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા;

નીલા, પીળા વળી લાલ કસૂંબિયા, એકબીજા ઉપર જાય દોડ્યા. સુ૦

ઘૂઘરા ધમધમે, ટોકરા ટમટમે, રમઝમ ધમધમ શબ્દ ઊઠે,

ભલે ઘોડે ચડ્યા, શોભે સુભટ ઘણા, અસવાર-પાળા તણી ફોજ છૂટે. સુ૦

જોડ નગારાંની ઊંટ ઉપર ધરી, અશ્વની જોડી તિહાં ઝાંઝ વાજે,

તાળ-મૃદંગ, સારંગી સોહામણી, જાનની જુગતિ તે સબળ છાજે. સુ૦

નગરનું લોક તે કોઈક રહ્યું હશે, વણિક વહેવારિયા લીધા ગોતી;

હાટ બેઠા ભરી શહેરની શેરીએ, મળે વસ્તુ જે હોય જો'તી. સુ૦ ૧૦

આજ સુધી નથી સાંભળ્યું શ્રવણથી : (એવી) જુગતિ-શું જગતમાં જાન જોડી,

ઇંદ્રના ભવનથી અધિક શોભા ઘણી, મળો વહેવાઈને, પહોંચો દ્રોડી.' સુ૦ ૧૧

સાંભળી વિપ્રને દાન દીધાં ઘણાં, હરખિયા મંન સંતોષ પામી;

નાતના અધિપતિ શીઘ્ર તેડ્યા તિહાં, તેડિયા રાયજી શીશ નામી. સુ૦ ૧ર

નગર–વહેવારિયા, શેઠગરાસિયા, કોટિધ્વજ, સુભટબહુ સંગે લીધા.

કેસર, કુંકુમ ને કળશ અત્તરભર્યા, ફોફળ-પાન કર દાસ-દીધાં. સુ૦ ૧૩

માનિની નવ-સત્ત સરવ ટોળે મળી, મંગળ ગાય છે રથ બેઠાં;

ગડગડ્યાં દુંદુભિ, સામૈયાં સજ થયાં, ખાય તંબોળ, ને નાખે હેઠાં. સુ૦ ૧૪

જઈ પહોંત્યાતિહાં, જાન શોભે જિહાં, મદન મહેતો મન માંહે હરખ્યો;

ધાઈ ચરણે નમ્યો., વેવાઈ મનગમ્યો, નરસૈયો દીઠો નરસિંહ સરખો. સુ૦ ૧પ

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997