સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
sukhdukh manmaan aaniae, ghat sathe re ghadiyaan
નરસિંહ મહેતા
Narsinh Mehta
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
sukhdukh manmaan aaniae, ghat sathe re ghadiyaan
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં. સુખ૦
નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી સુખ૦
પાંચ પાંડવ સરખા બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિદ્રા ન આણી. સુખ૦
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહા દુઃખ પામી સુખ૦
રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી. સુખ૦
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચના રાણી;
તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નીચ-ઘેર પાણી. સુખ૦
શિવજી સરખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી. સુખ૦
સર્વ દેવને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરજામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંને સ્વામી. સુખ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 107)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
