સુખ દુઃખ મનમાં ન આણીએ
sukh dukh man ma na aaniye
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.
નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી,
અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી.
પાંચ પાંડવ સરખા બંધવા, જેને દ્રૌપદી રાણી,
બાર વરસ વનમાં ભોગવ્યાં, નયણે નિદ્રા ન આણી.
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી,
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી.
રાવણ સરીખો રાજિયો, જેની મંદોદરી રાણી,
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી.
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચની રાણી,
તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નીચ ઘેર પાણી.
શિવજી સરખા સતા નહીં, જેની પાર્વતી રાણી,
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી.
સર્વ દેવને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરજામી,
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંને સ્વામી.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
