srishtismashya - Pad | RekhtaGujarati

(પદ)

રસ પાતાં રસ પી લે,

રસિકડા! રસ પાતાં રસ પી લે. (ટેક)

રસબસતો આ વસંતબ્હાર જો,

ફૂલફૂલાદિ ખીલે, – રસિકડા! રસ પાતાંo ૧

ઊભાં લાલસાથી એ લટકતાં,

વણ હીલવ્યાં શાં હીલે! – રસિકડા! રસ પાતાંo ૨

મૃદુ સુવાસ, મધુર રસ ઊભરા,

ભર વનમાળી ભરી લે, – રસિકડા! રસ પાતાંo ૩

પાકે ચ્હડ્યાં ફળ માગે ભોક્તા,

મનભાવ્યાં તોડી લે, – રસિકડા! રસ પાતાંo ૪

વાર નહીં મરી જતાં વિયોગે,

ક્યાં રે વીર! ઝીલી લે! – રસિકડા! રસ પાતાંo ૫

આવ ભ્રમર! ગુંજારવ કરતો!

કુંજ કુંજ તું ભમી લે, – રસિકડા! રસ પાતાંo ૬

રસિયા! લાડસઘેલી લાડીને

રોમરોમ અહીં રમી લે, – રસિકડા! રસ પાતાંo ૭

નાયક! સુખલાયક છું નાયિકા

સામે ઊભી, શોધી લે, – રસિકડા! રસ પાતાo ૮

વ્હેલો થા, મમ વ્હાલ વિકાસે,

આવ, ગળે વળગી લે, – રસિકડા! રસ પાતાંo ૯

વ્હેલો આવ, પણ જઈશ ન વ્હેલો,

હૃદય સદૈવ વસી લે, – રસિકડા! રસ પાતાંo ૧૦

દે આલિંગન, મધુરું ચુંબન,

સુંદર અઘર અમી લે, – રસિકડા! રસ પાતાંo ૧૧

લે લે, લેતો જા, રસદાતા!

દઈ એકી, બેકી લે, – રસિકડા! રસ પાતાંo ૧૨

છોડ ગ્લાનિ, વા હો ન ગુમાની,

લ્હાવ આ વાંકો વળી લે, – રસિકડા! રસ પાતાંo ૧૩

લૂંટ, લૂંટાવા બેઠી લાડિલી,

લૂંટ, ભલે લૂંટી લે, – રસિકડા! રસ પાતાંo ૧૪

ખોટી લાજ ન ઘટે શુભ કાજે,

સજ, રસશસ્ત્ર સજી લે, – રસિકડા! રસ પાતાંo ૧૫

પડ મેદાન, શરણ ઊભી તુજ,

કેમ ઊભો મુખ વ્હીલે? – રસિકડા! રસ પાતાંo ૧૬

જીત પ્રીતિધન જોતે જોતે,

જરી હારી જીતી લે, – રસિકડા! રસ પાતાંo ૧૭

જીવન્મુક્તિ આ યુદ્ધ આધારે,

ઝડપ બીડું ઝડપી લે, – રસિકડા! રસ પાતાંo ૧૮

મારવું તો, અમી પી મર, મધુકર!

મરી ઝટ ફરી જનમી લે, – રસિકડા! રસ પાતાંo ૧૯

અનાયાસ આ સૃષ્ટિસમશ્યા

સમજ, ચતુર! સમજી લે! – રસિકડા! રસ પાતાંo ૨૦

સ્રોત

  • પુસ્તક : મલબારીનાં કાવ્યરત્નો (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : ફિરોઝ બેહેરામજી મેહેરવાનજી મલબારી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2000