
સોહી રામ સમરું રે મારા આતમના ઓધાર,
ભરમના ભાંગો રે કાંઈ દરસ કરો દીદાર... સોહી રામ૦
મોહમાયા મૂરખ મલકાવે, અંધ કરે એંકાર, નુગરા સાકુટ શબ્દ ન માને,
ધણી વિના ખાશે માર, લેખાં લેશે રે કાંઈ, ખૂબ થાય ખુવાર... સોહી રામ૦
સેવા સમ્રણ કાંઈ ન જાણે કરે કુટુંબ વહેવાર, ભક્તિ ન ભાવે સંત ન સેવે,
કેમ મળે કિરતાર, કૂડ જ કાઢો રે કાંઈ, સાચું નામ સંભાર... સોહી રામ૦
શૂરા સાધુ સન્મુખ રે'વે, કાયર ભાગે ગેંમાર, શિરને સાટે સાહેબ સમરો,
સુફળ જન્મ નર-નાર, મરજીવાને રે કાંઈ મોજ મળે દરબાર... સોહી રામ૦
દિયા દાન અમરાપુર મળશે, કારજ સુફળ સુધાર, હજૂર માથે હૂંડી હંકારે,
કબૂલશે કિરતાર, નામ જ ગ્રાહ્યું રે કાંઈ, દિલ અપને નિરધાર... સેાહી રામ૦
શીલ સંતોષી નિર્મળ ઝીણા, તે પોંચ્યા પરિવાર, ગુરુગમ હોઈ સો ગોતી લેજ્યો,
ત્રિવેણી ટંકસાર, ગગન ગુફામાં રે કાંઈ, સુણ ઝીણો ઝણકાર... સેાહી રામ૦
રવિ ગુરુ બોલ્યા પડદા ખોલ્યા, પ્રગટ કિયા પોકાર, અધર સિંહાસન આપ બિરાજે,
આદિ પુરુષ નિરધાર, સોહી મૂરત પર રે કાંઈ, 'લાલદાસ' બલિહાર... સોહી રામ૦



સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 119)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ