shidne - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શીદને

shidne

દયારામ દયારામ
શીદને
દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ટેક.

સ્થાવર જંગમ જડ ચેતનમાં, માયાનું બળ ઠરે;

સમરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મમરણ ભય હરે. કૃષ્ણનેo

નવ માસ પ્રાણી કૃષ્ણચંદ્રનું, ધ્યાન ગર્ભમાં ધરે,

માયાનું આવ્રણ કર્યું ત્યારે; લક્ષચોરાસી ફરે. કૃષ્ણનેo

તું અંતર દ્વેગ ધરે, તેથી કારજ શું સરે;

ધણીનો ધાર્યો મનસૂબો, હરબ્રહ્માથી નવ ફરે. કૃષ્ણનેo

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;

જેવો જંત્ર વગાડે જંત્રી, તેવો સ્વર નીસરે. કૃષ્ણનેo

થનાર વસ્તુ થયા કરે જ્યમ, કૃષ્ણ ફળ પાણી ભરે;

જનાર વસ્તુ એણી પેર જાશે, જ્યમ ગજ કોઠું ગરે. કૃષ્ણનેo

જેહવું જેટલું જે જ્યમ કાળે, તે તેહને કર ઠરે;

એહમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુટાઈ તું મરે. કૃષ્ણનેo

ત્હારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;

આપપણું અજ્ઞાન કુળ એ, મૂળ વિચારે ખરે. કૃષ્ણનેo

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;

રાખ ભરોંસો રાધાવરનો, દયા શીદને ડરે. કૃષ્ણનેo

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010