shanti pamaDe tene to sant kahiye; - Pad | RekhtaGujarati

શાંતિ પમાડે તેને તો સંત કહીએ;

shanti pamaDe tene to sant kahiye;

બાપુસાહેબ ગાયકવાડ બાપુસાહેબ ગાયકવાડ
શાંતિ પમાડે તેને તો સંત કહીએ;
બાપુસાહેબ ગાયકવાડ

શાંતિ પમાડે તેને તો સંત કહીએ;

એના દાસના તે દાસ થઈને રહીએ રે. ભાઈ રે શાન્તિ.

કલ્પવૃક્ષ સેવ્યે દારિદ્ર રહ્યું ઊભું;

ત્યારે તેના તો ગુણ શીદ ગાઈએ રે? ભાઈ રે શાન્તિ.

રાજાની ચાકરી નિત્ય રહી ઊભી;

ત્યારે પારકી તો વેઠ શીદ વહીએ રે? ભાઈ રે શાન્તિ.

વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ના ભણાવ્યું;

ત્યારે પંડ્યાનો માર શીદ ખાઈએ રે? ભાઈ રે શાન્તિ.

લીધો વળાવો ને લૂંટવા રે લાગ્યો;

ત્યારે તેની સંઘાતે શીદ જઈએ રે? ભાઈ રે શાન્તિ.

વૈદ્યનો સંગ કરે રોગ રહ્યો ઊભો;

ત્યારે વૈદ્યની તે ગોળી શીદ ખાઈએ રે? ભાઈ રે શાન્તિ.

કીધી બાંધણી ને માથું વઢાવે;

ત્યારે તેને તે ઘેર શીદ જઈએ રે? ભાઈ રે શાન્તિ.

નામ અનામ સદગુરુ બતાવ્યું;

તે નામ ચોંટ્યું છે મારે હઇયે રે. ભાઈ રે શાન્તિ.

બાપુ તેની કાયા તો નરવો સ્નેહ છે;

અમે એવા સ્વામીને લેઈને રહીએ રે. ભાઈ રે શાન્તિ.

સ્રોત

  • પુસ્તક : બૃહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004