શબ્દની પાર સદ્ગુરુનું રૂપ છે
shabdanii paar sadgurunun ruup chhe
ભોજા ભગત
Bhoja Bhagat

શબ્દની પાર સદ્ગુરુનું રૂપ છે, ચર્મચક્ષુ હોય તેને કેમ સૂઝે?
જીવપણે પદ તે કોઈને જડે નહિ, અનુભવી હોય તે આપ બૂઝે... શબ્દ૦
રતિ વિના સ્વરૂપ તો લક્ષે આવે નહિ, શીખે સુણે મરને શબ્દ ગાવે,
અનુભવ ખુલ્યા વિના આપ સૂઝે નહિ, ચૈતન્ય બ્રહ્મ કડી સ્વપ્ને પાવે... શબ્દ૦
જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવ છે, સંશય છૂટે તો શિવ કહાવે,
ધ્યેય ને ધ્યાતા વિના ધ્યાન જો પ્રગટે, તો સોહં સ્વરૂપમાં જઈ સમાવે... શબ્દ૦
શબ્દની પાર આવાગમન અડે નહિ, જેમ કાંચળી તજીને ભોરિંગ જાવે,
ભક્ત ‘ભોજલ’ કહે ગુરુગમ પ્રગટે, તો જન્મ-મરણનો ભય ના’વે... શબ્દ૦



સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 269)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ