શા સુખે સૂતો? સંભાર શ્રીનાથને
shaa sukhe suuto? sambhaar shriinaathne
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
(રાગ કેદારો)
શા સુખે સૂતો? સંભાર શ્રીનાથને, હરિ વિના હાથ તે કોણ સાહે?
માત ને તાત, સુત, ભ્રાત ટોળે મળ્યાં, દોહેલી વેળા સહુ દૂર જાયે. શા૦
ઊંઘે મસ્તક હતો, ઉગ્ર તપ આચર્યા, ભક્તિ કીધી ભગવાન કેરી;
અવતરી પાશ બંધાયો માયા તણે, લંપટ લોચને લીધો ઘેરી. શા૦
દિવસ ચોદિશ ફરે, રાતે નિદ્રા કરે, સ્વપ્નમાં સાંભરે મોહમાયા;
પલક પરવાર નહિ હરિને ભજવા, તુને જ્યાં લગી જીવ-સંજોગ કાયા. શા૦
ધનધામે કરી મોહી રહ્યો, લોભિયા! વીસર્યો વેદના ગર્ભ કેરી;
નાથ ત્રિલોકના હરિ ન સંભારિયા, જઠરમાં રાખિયો જ્યારે ઘેરી. શા૦
લાજ રે, જીવડા! વાજ આવ્યો ઘણું, કેટલાએક પ્રતિબોધ દીજે?
નરસૈંના સ્વામીને નિત્ય સંભારતાં દેહનાં દુક્રિત દૂર કીજે. શા૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
