sha hata aapna bahar, pyari sambhar - Pad | RekhtaGujarati

શા હતા આપણા બ્હાર, પ્યારિ સંભાર

sha hata aapna bahar, pyari sambhar

નર્મદ નર્મદ
શા હતા આપણા બ્હાર, પ્યારિ સંભાર
નર્મદ

શા હતા આપણા બ્હાર, પ્યારિ સંભાર. પાસ બેઉ જ્યારે;

શા થયાછ જો બેહાલ, જુદાઈમાં રે. ટેક.

ત્હારી સુરતતણો ચળકાટ, દીપતો ઘાટ, ગયો બદલાઈ;

તોએ મધુરૂં તુજ રૂપ, પીઊં હૂં ચ્હાઈ.

નવ દિસે ઝરંતો બ્હાર, તાહરો પ્યાર, ને લાજે;

અંદર છે ઝચ્તો સાચ, માહરે કાજે.

જ્યમ વસ્ત્ર નવું ખુબ ધોય,

જ્યમ ચાંપુ સુકાયૂં હોય,

જ્યમ વ્હાણે ચાંદની જોય,

તેમ છેક ગઈ ધોવાઈ, દુખે ગભરાઈ, બની લાચારે;

શા થયાછ જો બેહાલ, જુદાઈમાં રે.

અરે હરણી ત્હારી આંખ, મારતી ઝાંખ, થઈ પીડાથી;

તોએ ચળકે આ વાર, પ્રેમિ જોયાથી.

ખરે અમૃતકુપ્પી સાર, પ્યારિ ઉદાર, ઉંચાં કુળવાળી;

જીવાડે મુજને પાઈ, વાંકિ તે વાળી.

જ્યમ ઘને કમળની પાંખ,

જ્યમ મીન સુકામાં રાંક,

જ્યમ તારો શશીથી ઝાંખ,

તેમ ડબાઈ કુમળી આંખ, નથી કંઈ વાંક, દુખને ભારે;

શા થયાછ જો બેહાલ, જુદાઈમાં રે.

ખભે વાંકિ પડેલી ડોક, નાકની નોક, ગરિબડૂં મ્હોડૂં;

ડાહાપણમાં ત્હારા જેવું, જો ના જોડૂં.

ઘણિ ચતુર તું નાજુક નાર, સલૂણી યાર, ચપળ દેખાતી;

થઈ મંદ હવે જુગતી, નથી શોધાતી.

નથિ કાંઈ ત્હારી તકસીર,

કારિ છે ઇશકનૂં તીર,

ધમ ધમાવિ નાખે શીર,

ઓ પ્યારિ પ્યારિ વણ નીર, બચૂં ક્યમ મીન, છુટૂં હૂં ક્યારે;

શા થયાછ જો બેહાલ, જુદાઈમાં રે.

બહુ ધીમિ પડી ગઈ ચાલ, તોય પણ હાલ, મનોહર લાગે;

પગલાં ઊપડતાં જોઈ, બળૂં હૂં આગે.

કેમ જીભ થઈ તુજ બંધ, સૂખના કંદ, બોલ મુજ સાથે;

કહિયે એકકને હાય, પડી જે માથે.

રે ઘણો થયો વીજોગ,

શા કહૂં કરમના ભોગ,

ના થાય ફરી સંજોગ.

દુખિ નર્મદની દિલદાર, મળી એકવાર, વાત કર પ્યારે;

શા થયાછ જો બેહાલ, જુદાઈમાં રે.

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ